Devayat Khavad News: હુમલાના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) અને અન્ય 7 આરોપીઓને આજે કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે દેવાયત ખવડના 7 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે નામંજૂર કરી દીધી છે. તમામ આરોપીઓને ₹15,000ના જામીન બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા છે.
એક કલાકથી વધુ ચાલી દલીલો
આ કેસની સુનાવણી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ.જાની સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડ માટે દલીલો કરી હતી. જોકે, આરોપીઓના વકીલ એ.જે.વિરરા (રાજકોટ)એ પોલીસની આ માંગ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આરોપીઓની ધરપકડના કારણો વિશે તેમને જાણ કરવામાં આવી નથી, જે બંધારણના આર્ટિકલ 22(b)નું ઉલ્લંઘન છે.
વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા
વકીલ વિરરાએ પોતાની દલીલોને મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્ત્વના ચુકાદાઓ પણ રજૂ કર્યા હતા. તેમણે રિમાન્ડ અરજી પર સુનાવણી સામે વાંધો ઉઠાવ્યો અને આરોપીઓને જામીન પર મુક્ત કરવાની દલીલ કરી.
કોર્ટે રાત્રે 9:45 કલાકે ચુકાદો આપ્યો
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે રાત્રે 9:45 કલાકે પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે દેવાયત ખવડના પોલીસ રિમાન્ડની માંગ નામંજૂર કરી અને કેસના તમામ 7 આરોપીઓને જામીન મંજૂર કર્યા. હાલમાં તમામ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, જ્યાં 151 કલમ હેઠળ અટકાયતી પગલાંની કાર્યવાહી કરવામાં આવશે.