Devayat Khavad Arrested: લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગીરસોમનાથ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી આ ધરપકડ કરી છે. દેવાયત ખવડ સહિત ચાર આરોપીઓને સુરેન્દ્રનગરના દુધઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ગામથી પકડવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે ધરપકડ કરાયા બાદ ગીરસોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનું આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે.
આ ઘટના સનાથલ અમદાવાદના રહેવાસી ધુવરાજસિંહ ચૌહાણની ફરિયાદ પર આધારિત છે. ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેમના 12થી 15 સાથીદારોએ ગાડી ભટકાડી, મારામારી કરી, હથિયાર બતાવ્યા અને લૂંટ પણ કરી હતી. આ ઘટના સાસણ નજીક બની હતી. મુખ્ય કારણ એવું સામે આવ્યું છે કે સનાથળ ખાતે થયેલા એક ડાયરા કાર્યક્રમમાં કલાકાર મોડા પહોંચતા માથાકૂટ થઈ હતી. સોશિયલ મીડિયા પર ફરિયાદી દ્વારા વારંવાર રીલ મુકવામાં આવતી હતી. જેના કારણે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલતા હતા. ફરિયાદીએ સોશિયલ મીડિયામાં પોતાનું સ્ટેટસ મૂક્યું હતું કે તેઓ સાસણમાં છે, જેના આધારે આરોપીઓએ પોતાનો બદલો લેવાના ઈરાદા સાથે વાહનો અને સાથીદારો ભેગા કરી આ ગુનો કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક પૂર્વ આયોજિત કાવતરું હોવાનું જણાય છે.
આ ફરિયાદના આધારે ગીરસોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો બનાવી, જેમાં એલસીબીની બે ટીમ, એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમનો સમાવેશ થાય છે. આરોપીઓને પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા શાસણની આજુબાજુ લોકેશન મળતા હતા, કારણ કે આરોપીઓએ મોબાઈલ ફોન ફેંકી દીધા હતા. પોલીસે વાહનોના માલિકોની પૂછપરછ કરી અને તેમના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી. ગુનામાં વપરાયેલા બે વાહનો અન્ય જિલ્લાના હતા, એક અમરેલી અને બીજું રાજકોટ/બનાસકાંઠા પાસિંગનું હતું. ધરપકડ બાદ આરોપીઓને તલાળા પોલીસ સ્ટેશન ખાતે ઓળખ પરેડ બાદ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. આજે આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે.
દેવાયત ખવડનું નામ એફઆઈઆરમાં છે અને તેમની ગુનાહિત ઈતિહાસ પોલીસ પાસે છે. અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ પાંચ ગુના નોંધાયેલા છે, જેમાં રાજકોટમાં હત્યાના પ્રયાસનો એક ગુનો, સનાથલ ખાતે છેતરપિંડીનો એક ગુનો અને અન્ય આમ સેટના ગુનાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનામાં દેવાયત ખવડનો 'વરઘોડો' એટલે કે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કાયદો તોડનારાઓનો વરઘોડો કાઢવાની વાત કરતા હોય છે. જોકે, ગીરસોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે તે તપાસનો વિષય છે અને જરૂર જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ મુદ્દાઓમાં આરોપીઓ કયા કયા વાહનોમાં કઈ કઈ જગ્યાએ ગયા, તેમને કોને કોને મદદ કરી, કયા કયા હથિયારોનો ઉપયોગ થયો અને સોશિયલ મીડિયા પર કોઈ અગાઉથી સંકેત આપતી પોસ્ટ હતી કે કેમ તે સામેલ છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસ ગંભીરતાથી કામગીરી કરી રહી છે અને બાકીના ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવશે. પોલીસને જરૂર જણાશે તો આ કેસમાં રીકન્સ્ટ્રક્શન પણ કરાશે.