Gujarat Rain Data | Surendranagar: ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં લાંબા વિરામ બાદ છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તેમજ અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા રેડ અને ઑરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એવામાં આજે રાજ્યના 142 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
રાજ્યના 28 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ 57 મિ.મી (2.2 ઈંચ) વરસાદ બોટાદ જિલ્લાના રાણપુરમાં ખાબક્યો છે. આ સિવાય ખેડામાં 56 મિ.મી (2.2 ઈંચ), ગીર સોમનાથના ઉનામાં 53 મિ.મી (2 ઈંચ), અમરેલીના જાફરાબાદમાં 47 મિ.મી (1.8 ઈંચ), અમદાવાદ શહેરમાં 45 મિ.મી (1.7 ઈંચ) વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગરમાં મેઘકૃપા વરસી
આજે બપોર બાદ સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને જિલ્લાના મોટાભાગના તાલુકામાં મેઘકૃપા વરસી છે. જેમાં જિલ્લાના દસાડામાં 55 મિ.મી (2.17 ઈંચ),ચુડામાં 42 મિ.મી (1.6 ઈંચ), સાયલામાં 33 મિ.મી (1.3 ઈંચ), મૂળીમાં 25 મિ.મી, થાનગઢમાં 9 મિ.મી, ધાંગધ્રામાં 5 મિ.મી, ચોટીલામાં 5 મિ.મી વરસાદ વરસ્યો છે.
બપોરે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 67 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરેન્દ્રનગરના દસાડામાં સૌથી વધુ 55 મિ.મી વરસાદ ખાબક્યો હતો. આ સિવાય મોરબીના હળવદમાં 44 મિ.મી (1.7 ઈંચ), મહેસાણાના ઊંઝામાં 41 મિ.મી (1.6 ઈંચ), રાજકોટના જામકંડોરણામાં 40 મિ.મી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો છે.