Gujarat Rain News: સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જેના પરિણામે, સ્થાનિક નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
જૂનાગઢ જિલ્લાના 9 ડેમ ઓવરફ્લો
જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કુલ 9 ડેમ ઓવરફ્લો થયા છે. આ ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઓવરફ્લો થયેલા ડેમની યાદી:
- ઓઝત 2 : 2 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 3664 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
- ઓઝત શાપુર : 10 દરવાજા 0.35 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 2295.48 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
- ઓઝત વંથલી : 12 દરવાજા 0.35 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 2521.49 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
- ઓઝત વિયર આણંદપૂર : તમામ દરવાજા 0.20 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 1472 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
- મોટા ગુજરીયા : આ ડેમ 0.03 મીટર ઓવરફ્લો થયો છે, જેનાથી 61.29 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
- મધુવંતી : આ ડેમના તમામ દરવાજા 0.10 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 368.50 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
- સાબલી : 5 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 1898 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
- બાંટવા ખારો : 7 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે, જેનાથી 2092 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
- ભાખરવડ : આ ડેમ 0.25 મીટર ઓવરફ્લો થયો છે, જેનાથી 2925.62 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
હિરણ-2 જળાશયના તમામ દરવાજા ખોલાયા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ હિરણ-2 જળાશયમાં પણ ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જળાશયમાં પાણીની સપાટી ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર દ્વારા તમામ દરવાજા 23 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.