Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લો જાણે ગુનાખોરીનું હબ બની રહ્યો હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ગત 7મી ઓગસ્ટના રોજ 24 કલાકના ગાળામાં શહેરમાંથી ચાર શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જે પૈકી સુરેન્દ્રનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્સના ધાબા પરથી એક પરિણીતાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી છે.
હકીકતમાં મહિલાના મૃતદેહને જોતા પરિવારે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી હતી. આથી બી-ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસે આસપાસની દુકાનોના CCTV ફૂટેજ ચકાસતા એક યુવક રાતના સમયે પરિણીતાને ધાબા પર લઈ જતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો
આખરે બાતમીદારોની મદદથી આ યુવકની ઓળખ પ્રકાશ પરમાર તરીકે થઈ હતી. જેથી પોલીસે પ્રકાશને પકડીને આગવી ઢબે પૂછપરછ કરતાં તેનો અન્ય સાગરિત જુમ્મા ભાદાણી હોવાનું માલૂમ પડ્યું હતુ.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ પરમાર અને જુમા ભદાણી સહિત અન્ય 3 ઈસમો મળી કુલ પાંચ લોકો પરિણીતાને ધાબા પર લઈ જઈને તેના પર સામુહિક દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી હતી. જે બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સુરેન્દ્રનગરના ભીડભાડવાળા બસ સ્ટેન્ડ નજીક રાતના સમયે આ પ્રકારની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગના દાવાઓ પર પણ સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આરોપીઓ પ્રત્યે ભારે ફિટકાર વર્સી રહ્યો છે.
બીજી તરફ DySp નિકુંજ પટેલે જણાવ્યું કે, પોલીસને શંકાસ્પદ હાલતમાં મહિલાની લાશ મળી હતી. જે બાદ તપાસ કરતાં CCTV ફૂટેજના આધારે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ પણ ખુલ્યા છે. હાલ તો પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેમની શોધખોળની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.