Surendranagar News: સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતરના મેળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરથી સારવાર અર્થે આવેલા 5 વૃદ્ધ દર્દીને ઘેનવાળો પદાર્થ સુંઘાડી-પીવડાવી વૃધ્ધો પાસેથી સોનાના દાગીના તથા રોકડની લૂંટ થઇ હોવાનું સામે આવ્યું હતું. દર્દી હાલ બેભાન અવસ્થામાં છે. દર્દીના પરિવારજનો હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, દેવાભાઈ રાજસીભાઈ વરવારીયા(ઉંમર વર્ષ 65, રહે. મેવાસા ગામ તાલુકો કલ્યાણપુર,જીલ્લો દ્વારકા) બુધવારે સાંજે 5 વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં થાનગઢ ખાતે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા. મેળામાં ઉપસ્થિત મેડિકલ ટીમ દ્વારા પ્રથમ થાનગઢ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેવાભાઈના પરિવારજનોએ જણાવ્યું કે, દેવાભાઈએ પોતાના બંને કાનમાં 3 તોલાના ઠોરીયા પહેર્યા હતા અને સાથે રોકડ રૂપિયા 6 હજાર હતી. જે હાલ મળી આવેલ નથી. દર્દીના પરિજનોને અજાણ્યા રાહગીર દ્વારા ફોન કરી બનાવની જાણ કરવામાં આવી હતી. બીજા એક બનાવમાં કાનાભાઈ રમુભાઈ ભરવાડ (ઉંમર વર્ષ 50, રહે. દાતિસણ ગામ, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ) ગુરુવારે વ્હેલી સવારે આઠેક વાગ્યા આસપાસ પોતે તરણેતરના મેળામાં હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા તેને થાનગઢ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓના પણ કાનમાં પહેરેલું એક ઠોડ્યું મળી આવ્યું ન હોતું અને રોકડ રકમ પણ મળી આવી નહોતી.
જયારે દ્વારકાના નંદાણી ગામનાં રાણાભાઇ કુરજીભાઇ ડાભી (ઉ.56) ગઇકાલે તરણેતરનાં મેળામાં બેભાન મળી આવતા સિવિલમાં ખસેડાયા હતા. તેઓ આજે ભાનમાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેઓ તરણેતર મેળામાં ગયા ત્યારે ત્રણ શખ્સોએ કાંઇક પીવડાવી દીધુ હતું અને તેમણે પહેરેલા સોનાના ઠોરીયા આ શખ્સો લુંટી ગયા હતા. હાલ આ મામલે થાનગઢ પોલીસે તપાસ શરૂ કરી છે.