Surat: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાંદીડા ગામની સીમમાં પસાર થતી સરકારી બસ પલટી મારી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 5 થી 6 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ મુસાફરોએ બસનો ડ્રાઈવર રફ ડ્રાઈવિંગ કરતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાંદીડા ગામની સીમમાથી મુસાફરો ભરેલી એસ.ટી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે બસ પલટી મારી જતાં તેમાં સવાર મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં બારડોલી ટાઉન પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 5થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા થતાં 108ની મદદથી તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ડ્રાઈવર સ્પીડમાં બ્રેક મારતો અને મુસાફરોના માથા આગળની સીટ સાથે ભટકાતા હતા
આ મામલે બસમાં સવાર મુસાફરે કૌશિક બાબરીયાએ જણાવ્યું કે, હું પૂણા પાટીયાથી આ બસમાં બેઠો હતો. જ્યાંથી કડોદરા આવ્યું, ત્યાં સુધીમાં ડ્રાઈવરે 5 થી 10 વખત સ્પીડમાં બ્રેક મારી હતી. જેના કારણે પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા. બસનો ડ્રાઈવર રફ ડ્રાઈવિંગ કરતો હતો. અમે બેઠા ત્યારથી જ અમને હતું કે, ડ્રાઈવર અકસ્માત સર્જશે. આખરે બસ પલટી અને બધા મુસાફરો એકબીજા પર પડ્યા. અમે માંડ-માંડ બહાર આવ્યા છીએ.
જ્યારે સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતુભાઈએ જણાવ્યું કે, હું નાંદીડા ચોકડી નજીક એક કાર્યક્રમમાં જતો હતો. મને અકસ્માતની જાણ થઈ એટલે હું તરત જ ઘટના સ્થળે આવ્યો છું. બસમાં સવાર પેસેન્જરોએ જણાવ્યું કે, સુરતથી બસ નીકળી, ત્યારથી જ ડ્રાઈવર બે ત્રણ જગ્યાએ ટચ કરતો અહીં સુધી લાવ્યો હતો. આથી મેં ઘટના સ્થળેથી જ DDOને તાત્કાલિક ફોન કરીને આ બાબતે વાકેફ કર્યાં છે. આ સાથે જ ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી છે.