Surat: સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાયા હતા. આ ઉપરાંત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
આજે સુરત જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદને પગલે બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી આ ઉપરાંત બારડોલી અને બાબેન ગામને જોડતા રેલવે અન્ડર પાસમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.
આ પણ વાંચો
ઉકાઇ ડેમમાંથી સિઝનમાં પહેલીવાર 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત હરીપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવેની પેલી તરફ આવેલા ઉન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત સાત થી વધુ ગામોનો કડોદ, બારડોલી અને સુરત સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક લાખ પચ્ચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે.
આજે બપોરે 4 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 12 મીમી, માંગરોળમાં 65 મીમી, ઉમરપાડામાં 51 મીમી, માંડવીમાં 13 મીમી, કામરેજમાં 73 મીમી, સુરત શહેરમાં 58 મીમી, ચોરાસીમાં 45 મીમી, પલસાણામાં 60 મીમી, બારડોલીમાં 50 મીમી, મહુવામાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.
ઓલપાડના સિવાન ગામમાં મકાન પર વીજળી ત્રાટકી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાન ગામમાં આવેલા સંકલ્પ રેસીડેન્સીના એક મકાન પર વીજળી પડી હતી વીજળી પડવાનો મોટો અવાજ સાંભળીને આસપાસના રહીશો તરત જ મકાનની છત પર દોડી આવ્યા હતા. છત પર બનાવવામાં આવેલા રૂમની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.