Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી બોગસ આધાર કાર્ડ , પાનકાર્ડ તથા બાંગ્લાદેશી દસ્તાવેજો જપ્ત કર્યા છે. આરોપી વર્ષ 2018માં ભારત આવ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેમાં સરળતાથી ટ્રેક ન કરી શકાય તેવી અપ્લિકેશનનો ઉપયોગ કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત મોબાઈલમાંથી ધાર્મિક જેહાદી સાહિત્ય મળી આવ્યું હતું
સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે, એક બાંગ્લાદેશી ઇસમ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હાલમાં સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. જેના આધારે પોલીસે મો. રૂબેલ હુસેન શફીકુલ ઇસ્લામ ઉર્ફે મો. કાસીમ ઇસ્લામ અંસારી (24)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી મો. કાસીમ ઇસ્લામ અંસારીના નામથી બનાવેલું પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ કબજે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક ATM કાર્ડ તેમજ બાંગ્લાદેશના સ્કૂલ અને કોલેજના સર્ટીફિકેટ પણ કબજે કર્યા છે.
પોલીસે તેની પૂછપરછ કરતા તે મૂળ દુમદિયા જેશોર બાંગ્લાદેશનો વતની છે અને વર્ષ 2018માં પુટખલી બોર્ડરથી નદી પાર કરીને રાતના સમયે ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો અને બાદમાં મહેરપૂર, મુંબઈ તથા હૈદરાબાદ અને કર્ણાટકના ગુલબર્ગ ખાતે રહી મીટ કંપનીમાં કામ કર્યું હતુ. જે બાદ મુંબઈ પનવેલ ખાતે આવીને કલર કેમિકલ કંપનીમાં સિક્યોરિટીની દોઢ વર્ષ નોકરી કરી હતી અને પછી વર્ષ 2021માં તે સુરત ખાતે આવી જુદા જુદા કારખાનામાં કપડા પ્રેસ કરવાનું કામ કરતો હતો.
વધુમાં આરોપી મુંબઈ ખાતે સિક્યુરીટીની નોકરી કરતો હતો, તે દરમ્યાન બાંગ્લાદેશના મની એક્ષચેન્જર શરીફૂલ ઇસ્લામ સાથે સંપર્ક કરી ભારતીય આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી આપવા જણાવતા શરીફૂલ ઈસ્લામે તેના ઓળખીતા મુંબઈ ખાતેના એજન્ટ ખલીલ અહેમદ શેખનો સંપક કરાવી મોહમદ કાસીમ ઇસ્લામ અંસારી નામના ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા
પોલીસે જણાવ્યું હતું કે, રૂબેલ હુસેન ટેકનીકલ જાણકાર હોવાનું પૂછપરછ દરમ્યાન જણાઈ આવ્યું છે. તેના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં સરળતાથી ટ્રેકના કરી શકાય એવી એપ્લિકેશનનો તે ઉપયોગ કરતો હતો. તેમજ તેમાં ધાર્મિક જેહાદી સાહિત્ય હોવાનું જણાઈ આવ્યું છે, તે ભારતમાં રોકાયો દરમ્યાન અન્ય ક્યાં ક્યાં વ્યક્તિઓના સંર્પકમાં તે આવ્યો છે અને અહીંથી બાંગ્લાદેશ ખાતે કોઈ આર્થિક વ્યવહારો કર્યા છે કે કેમ અને કરેલ છે તો કઈ રીતે કરેલ છે વગેરે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.