ગુજરાતમાં જામ્યો મેઘાવી માહોલઃ સાબરકાંઠા વિજયનગરમાં 2 કલાકમાં પોણા 2 ઈંચ ધોધમાર ખાબક્યો, રસ્તા પર નદીઓ વહી

આખા દિવસ દરમિયાન 39 તાલુકામાં વરસાદ વરસ્યો. જે પૈકી ઉત્તર ગુજરાતના 2 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Aug 2025 05:41 PM (IST)Updated: Fri 15 Aug 2025 05:41 PM (IST)
sabarkantha-news-more-39-taluka-gets-rain-across-the-gujarat-till-4-pm-on-15th-august-585952
HIGHLIGHTS
  • અરવલ્લીના મેઘરજમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ

Gujarat Rain Data | Sabarkantha: લાંબા ગાળા બાદ ગુજરાતમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં ફરીથી મેઘાવી માહોલ જામ્યો છે. જેના પગલે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સૌથી વધુ 44 મિ.મી (1.7 ઈંચ) ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ વાત એ છે કે, વિજયનગરમાં જ બપોરે 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ 41 મિ.મી જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેના પરિણામે નીચાણવાળા ભાગોમાં રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ સિવાય અરવલ્લીના મેઘરજમાં 43 મિ.મી (1.6 ઈંચ) વરસાદ પડતા અહીના નીચાણવાળા આંબાવાડી વિસ્તાર તેમજ નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા.

અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, અરવલ્લીના ભીલોડામાં 20 મિ.મી, સુરત શહેરમાં 19 મિ.મી, જૂનાગઢના વંથલીમાં 18 મિ.મી, નવસારીમાં 16 મિ.મી., સુરતના ચોર્યાસીમાં 15 મિ.મી, અરવલ્લીના મોડાસામાં 15 મિ.મી, અમરેલીના રાજુલામાં 12 મિ.મી વરસાદ નોંધાયો છે.

જ્યારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 24 તાલુકામાં વરસાદ પડ્યો છે. જે પૈકી સૌથી વધુ અરવલ્લીના મેઘરજમાં 26 મિ.મી ખાબક્યો છે. આમ આખા દિવસ દરમિયાન 2 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.