Kheda: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને ‘મિની દ્વારકા’ તરીકે ઓળખાતા ડાકોરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે. 16 ઓગસ્ટ, શનિવારે ઉજવાતા આ પર્વને લઈ વૈષ્ણવ ભક્તોમાં ઉત્સાહ છે. મંદિર પ્રશાસને ઘુમ્મટથી લઈને પરિસર સુધી આકર્ષક રોશની કરી છે, બે મુખ્ય દ્વારો વિશેષ લાઇટિંગથી ઝળહળી રહ્યા છે અને આસોપાલવના તોરણોથી મંદિર શણગારાયું છે. આજથી જ ભજન-કીર્તનનો માહોલ જામી ગયો છે.
ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુચારુ આયોજન કરાયું છે. ઠાકોરજીના દર્શન માટે વિશેષ વ્યવસ્થા, મિસિંગ વસ્તુઓ માટે સ્પીકર સિસ્ટમ અને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. જન્મોત્સવ સમયે દીપામાળાઓ પ્રગટાવવામાં આવશે. રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવ, તિલક-પંચામૃત સ્નાન અને શ્રુંગાર બાદ ઠાકોરજીને પરંપરાગત મોટામુગુટ ધારણ કરાવવામાં આવશે. વર્ષમાં માત્ર ત્રણ વખત જ આ શ્રૃંગાર થાય છે. ત્યારબાદ ગોપાલલાલજી મહારાજને સોનાના પારણામાં ઝુલાવવામાં આવશે અને અનુકૂળતાએ મહાભોગ આરતી બાદ ઠાકોરજી પોઢી જશે.
જન્માષ્ટમીના દિવસે (16 ઓગસ્ટ) દર્શન માટે સવારે 6:30 વાગ્યે નીજમંદિર ખુલશે, 6:45એ મંગળા આરતી થશે અને બપોરે 1 વાગ્યે મંદિરના નિજ દરવાજા દર્શન માટે બંધ થશે અને સાંજે 4:45એ મંદિરના નિજ દરવાજા ફરી ખુલશે અને 5 વાગે ઉત્થાપન આરતી થશે. રાત્રે 12 વાગે પ્રાગટ્યોત્સવ બાદ મહાભોગ આરતી થશે.

જયારે રવિવારે 17 ઓગસ્ટે નંદમહોત્સવની ઉજવણી થશે. સવારે 8 વાગ્યે નીજમંદિર ખુલશે, 8:15ના મંગળા આરતી બાદ સેવાપૂજા અને ત્યારબાદ નંદમહોત્સવ ઉજવાશે. મોટી સંખ્યામાં ભાવિકો હાજરી આપશે તેવી ધારણા છે. ડાકોરમાં આ ભવ્ય ઉત્સવને લઈને ભક્તોમાં ભારે આતુરતા છે અને સમગ્ર યાત્રાધામ કૃષ્ણભક્તિની ઝાંખી પાથરી રહ્યું છે.