Vadodara: વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વર્ષે ખાસ બની રહી. 15 ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ અનોખો રોબોટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો. સમિતિના અધ્યક્ષ દેસાઈના હાથમાં આ રોબોટે સ્વયં ધ્વજવંદન માટે દોરી આપી, ત્યારબાદ અધ્યક્ષે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પ સાથે તાલમેલ બેસે તેવો આ પ્રયાસ શાળા સ્તરે ટેક્નોલોજીના ઉપયોગનું જીવતું ઉદાહરણ બન્યો. વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ રોબોટ તૈયાર કર્યો હતો. આ પહેલ માત્ર ટેક્નિકલ કુશળતા નહીં, પરંતુ સ્વતંત્રતા દિવસના પવિત્ર પ્રસંગે નવી પેઢીના નવીન વિચારધારાનો પણ સંદેશ આપી ગઈ.
આ પણ વાંચો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ષોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવીન શિક્ષણ પદ્ધતિઓ અમલમાં મૂકી રહી છે. ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓ જેવી સુવિધાઓ વિદ્યાર્થીઓમાં પ્રયોગશીલતા અને નવી શોધ કરવાની પ્રેરણા આપી રહી છે. રોબોટિક્સ જેવા ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાતું હોવાથી તેમની અંદર કંઈક અલગ કરવાની જિદ્દ વિકસી રહી છે.
આ રોબોટ દ્વારા ધ્વજવંદનની ઘટના માત્ર પ્રદર્શન નહોતી, પરંતુ તે ભારતના ભવિષ્યના ટેક્નોલોજી-સજ્જ નાગરિકોના સંકેતરૂપ હતી. વડોદરાના આ નાનાં વિદ્યાર્થીઓએ સાબિત કર્યું કે, યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાથમિક સ્તરે પણ વૈજ્ઞાનિક વિચારોને વાસ્તવિકતા આપી શકાય છે. આ પ્રયાસ શહેરના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવનો વિષય બની રહ્યો છે.