Gujarat Rain Data | Sabarkantha: વરસાદ ખેંચી લાવતી ચારેક જેટલી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો વાદળ ફાટ્યું હોય, તેવો વરસાદ પડતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનું જોર ઘટ્યું છે અને મેઘરાજાએ હવે ઉત્તર ગુજરાત તરફ નજર દોડાવી હોય તેમ લાગી રહ્યું છે.
હકીકતમાં ગઈકાલે રાતથી જ ઉત્તર ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે. જો કે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 79 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 40 મિ.મી (1.5 ઈંચ) વરસાદ સાબરકાંઠાના તલોદ તાલુકામાં ખાબક્યો છે.
આ સિવાય અરવલ્લીના ધનસુરામાં 30 મિ.મી, પાટણના રાધનપુરમાં 28 મિ.મી, મહેસાણાના કડીમાં 25 મિ.મી, બેચરાજીમાં 23 મિ.મી, પાટણના શંખેશ્વરમાં 14 મિ.મી, ચાણસ્મામાં 13 મિ.મી, અરવલ્લીના મોડાસામાં 13 મિ.મી વરસાદ વરસ્યો છે.
આજે રાજ્યના 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
આખા દિવસ દરમિયાન 180 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના તલોદમાં 43 મિ.મી (1.6 ઈંચ), નર્મદાના તિલકવાડામાં 42 મિ.મી (1.6 ઈંચ), વલસાડના કપરાડામાં 31 મિ.મી (1.2 ઈંચ), આણંદના તારાપુરમાં 30 મિ.મી, સોજીત્રામાં 30 મિ.મી, જામનગરમાં 29 મિ.મી, અરવલ્લીના મેઘરજમાં 29 મિ.મી, નડિયાદમાં 28 મિ.મી વરસાદ વરસ્યો છે.