Rajkot: રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં હાર્ટ એટેકના કારણે પાંચથી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જે ચિંતાજનક બાબત છે. આ પૈકી બે લોકોના હૃદયરોગના હુમલાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ પ્રકાશમાં આવ્યા છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
ગત 20 જુલાઈના રોજ એક યુવક નવા કપડાં લેવા ગયો હતો. તે સમયે જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. માત્ર પાંચ જ સેકન્ડમાં તેનું કરુણ મોત નિપજ્યું હતું, જે સીસીટીવીમાં કેદ થયું છે.
ગઈકાલે રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. મૂળ છત્તીસગઢના વતની રાજેન્દ્રસિંહ ગુરજી નામના 52 વર્ષીય આધેડ વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે રાજેન્દ્રસિંહ પહેલા યોગા કરી રહ્યા હતા, ત્યારબાદ તેઓ ખુરશીમાં બેઠા અને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમનો આ હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો હતો.
શહેરમાં હૃદયરોગના હુમલાના વધતા જતા કિસ્સાઓ અને તેમાં પણ યુવાનો અને આધેડ વયના લોકોના મોત થવા એ એક ગંભીર બાબત છે.