Vadodara: પાણીગેટની કુખ્યાત ચુઈ ગેંગ સામે પોલીસની કડક કાર્યવાહી, ગુજસીટૉક હેઠળ ગુનો નોંધ્યો

પાણીગેટની ગેંગના મુખ્ય સુત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ કહારના નામે 41 ગુનાઓ નંધાય છે. ગેંગના કેટલાક સાગરિતો તડીપાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 23 Jul 2025 10:41 PM (IST)Updated: Wed, 23 Jul 2025 10:41 PM (IST)
vadodara-news-7-member-of-chui-gang-action-under-gujctok
HIGHLIGHTS
  • શહેરમાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસનું મોટું પગલું
  • 7 ગુનેગારો વિરુદ્ધ પોલીસ ચોપડે 128 ગુનાઓ નોંધાયા

Vadodara: વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું ક્રિમિનલ વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરતી પાણીગેટની કુખ્યાત ચુઇ ગેંગ સામે હવે પોલીસએ Gujarat Control of Terrorism and Organized Crime Act (GujCTOC) હેઠળ કડક પગલાં ભર્યા છે. આ ગેંગના સભ્યો વિરુદ્ધ અગાઉ પણ હત્યા, હત્યાની કોશિષ, લૂંટ, ખંડણી, રાયોટિંગ, અને વિદેશી દારૂ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસે જે સાત શખ્સો સામે GujCTOC હેઠળ ગુનો નોંધ્યો છે, તેમાં મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઇ રમણભાઈ કહાર, તેનો ભાઈ કૃણાલ કહાર, તથા અરુણ માછી, દિપક ઉર્ફે દિપેશ કહાર, પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ્ટ, પ્રદિપ ઉર્ફે જાડીયો ઠક્કર અને રવિ માછીનો સમાવેશ થાય છે.

મુખ્ય આરોપી ચુઇ કહારના નામે કુલ 41 ગુનાઓ નોંધાયેલ છે. કૃણાલ વિરુદ્ધ 32, અને અન્ય સામે પણ દહેશતભર્યા ગુનાઓ નોંધાયા છે. કેટલાક આરોપીઓ વિરુદ્ધ તો 5 થી વધુ વખત પાસા તથા તડીપાર જેવી કાર્યવાહી પણ થઈ ચૂકી છે. તાજેતરમાં ચુઇ અને કૃણાલ વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધાતા પોલીસે GujCTOCનો અમલ કરી કાર્યવાહીને આગળ ધપાવી છે.

હાલ કૃણાલ કસ્ટડીમાં છે અને કોર્ટે ઓર્ડર આપ્યા બાદ GujCTOC હેઠળ તેની ધરપકડ થશે. ફરાર આરોપી અરુણ માછી માટે તજવીજ ચાલી રહી છે. શહેરમાં ગુનાખોરીને મૂળેથી નાબૂદ કરવા માટે વડોદરા પોલીસે લીધેલું આ પગલું મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.