Gir Somnath: શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ સમા પવિત્ર શ્રાવણ માસ-2025 દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવશે. આ 30 દિવસીય શિવોત્સવમાં દેશભરના ભક્તોને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બિલ્વ પૂજા અર્પણ કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર 'માત્ર રૂ. 25 બિલ્વ પૂજા સેવા' નો પ્રારંભ કરી રહ્યું છે, જેના દ્વારા ભક્તો QR કોડ અથવા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઘરે બેઠા પૂજા નોંધાવી શકશે. આ બિલ્વાર્ચન પૂજારી દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે.
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, મહાશિવરાત્રી 2024, શ્રાવણ 2024, અને મહાશિવરાત્રી 2025ના શુભ અવસરો પર આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી હતી. આ પૂજાને ભક્તો તરફથી વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો, જેમાં પાંચ ઉત્સવોમાં 7.53 લાખ જેટલા પરિવારોએ પૂજા નોંધાવી હતી.
આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર દેશભરમાં ભક્તોના નોંધાવેલ- સરનામા પર પોસ્ટ/કુરિયર મારફત મોકલવામાં આવ્યા હતા, જે ભક્તો માટે અત્યંત આનંદદાયક અનુભવ રહ્યો હતો.
શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતા કહેવાયું છે કે:
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥
અર્થાત, શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર ₹૨૫ ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે, શ્રી સોમનાથ ટ્રસ્ટ ભક્તો દ્વારા આપવામાં આવેલ સરનામા પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે. અગાઉ ભક્તોને મળેલ આ પ્રસાદથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેવા ભાવિકોને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા, જેનાથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન થયા હતા.
શ્રાવણ-2025 માં સોમનાથ ટ્રસ્ટની આ અનોખી અને લોકપ્રિય રૂ. 25 બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ પ્રારંભ તા. 25 જુલાઈ, 2025 થી શ્રાવણ માસની તા. 21 ઓગસ્ટ, 2025 સુધી ભક્તો આ બિલ્વ પૂજા નોંધાવી શકશે. આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે, ભક્તો શ્રી સોમનાથ ટ્રસ્ટની આધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/Shravan ની મુલાકાત લઈ શકે છે અથવા આપેલ QR કોડ સ્કેન કરીને પૂજા બુક કરાવી શકે છે.
