Banaskantha: ખેડબ્રહ્માથી ધાનેરા તરફ જતી એસ.ટી. બસને બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બસ ઢાળ પરથી સરકીને 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 મુસાફરો ઈજાગ્રસ્ય થયા છે, જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેડબ્રહ્માથી ધાનેરા જઈ રહેલી ડીસા ડેપોની બસ 45 જેટલા મુસાફરોને લઈને દાંતા નજીક કુંવારશીના ઘાટમાંથી પસાર થઈ રહી હતી. આ સમયે ઢાળ પર બસ ગરમ થઈને બંધ પડી ગઈ હતી. આથી બસના ડ્રાઈવર ટાયર આગળ પથ્થર મૂકવા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન બસ ઢાળ પરથી નીચે સરકીને 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.
આ પણ વાંચો
આ અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતાં હડાદ પોલીસ, અંબાજી ડેપો મેનેજર ઉપરાંત દાંતા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ અંબાજી અને દાંતાની 108 એમ્બ્યુલન્સો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
જે બાદ એક પછી એક મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 12 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
