Suigam Police Station Custodial Death Case: વાવ-થરાદ જિલ્લાના સૂઈગામ પોલીસની કસ્ટડીમાં રહેલા અપહરણના ગુના સબબ અટકાયતમાં લેવાયેલા એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સૂઈગામ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.આ સમયે સ્થિતિ તંગ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડતો થયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સૂઈગામ પોલીસની ટીમે અપહરણના એક કેસની તપાસના ભાગરૂપે રાતાભાઈ પરમાર નામના યુવકની અટકાયત કરી હતી. જ્યાં રાતાભાઈએ પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી.
આ બાબતની જાણ થતાં ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના આગેવાનો સૂઈગામ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે પોલીસ તંત્રની બેદરકારી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા થરાદના DySp, LCB અને SOG સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક સુઈગામ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.
નેશનલ હ્યુમન રાઈટ કમિશનની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી
આ મામલે DySp એસ.એસ. વારોતરીયાએ જણાવ્યું કે, રાતાભાઈની કસ્ટોડિયલ ડેથની ઘટના ખૂબ જ ગંભીર છે. આ ઘટનાની નેશનલ હ્યુમન રાઈટ કમિશન (NHRC)ની ગાઈડલાઈન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો પરિવારજનોની સંમતિ બાદ વીડિયોગ્રાફી અને પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવા માટે મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
સંખેડા પોલીસ સ્ટેશનમાંથી પાણી પીવાના બહારે આરોપી ફરાર
છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા પોલીસે રાકેશ તડવી નામના આરોપીને કોઈ ગુના સબબ કસ્ટડીમાં લીધો હતો. જ્યાં કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે રાકેશને કોર્ટમાંથી સંખેડા પોલીસ મથકે લાવ્યા બાદ પ્રથમ માળે ફિંગર પ્રિન્ટ સહિતની કાર્યવાહી ચાલી રહી હતી. આ સમયે આરોપીએ પાણી પીવા જવાના બહાને ફરજ બજાવતા પોલીસ જવાનોની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. હાલ તો સંખેડા પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
