જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ઐતિહાસિક વિજય: તમામ 10 બેઠકો પર ભગવો લહેરાયો, 'આપ'નો સદંતર સફાયો

જૂનાગઢ APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે તમામ 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવી વિરોધીઓનો સફાયો કર્યો. આ જીતને 45 ગામોના ખેડૂતો અને સહકારી આગેવાનોના વિશ્વાસની જીત ગણાવાઈ. કિરીટ પટેલનો પડકારઃ આગામી 5 યાર્ડની ચૂંટણીમાં જો આપનો એક પણ ઉમેદવાર જીતે તો જાહેર જીવન છોડી દઈશ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 07:58 PM (IST)Updated: Thu, 10 Sep 2026 07:58 PM (IST)
junagadh-apmc-election-results-bjp-backed-panel-scores-historic-victory-aap-wiped-out
HIGHLIGHTS
  • ભાજપના કાર્યકરોએ ચલણી નોટો ઉડાડી જીતની ભવ્ય ઉજવણી કરી

Junagadh APMC Election Results: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલે વિરોધીઓનો સદંતર સફાયો કરીને તમામ બેઠકો પર એકતરફી ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી પરિણામો જાહેર થતાં જ ભાજપ છાવણીમાં વિજયોત્સવનો માહોલ છવાયો હતો.

કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ચલણી નોટોનો વરસાદ કરી વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આ શાનદાર જીતને ૪૫ ગામોના ખેડૂતો અને સહકારી આગેવાનોના વિશ્વાસની જીત ગણાવી હતી.

ચૂંટણી વિગતો અનુસાર, ખેડૂત વિભાગના કુલ 955 મતદારો પૈકી 914 ખેડૂત સભાસદોએ મતદાન કર્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રેરિત ઉમેદવારોને માત્ર 10 થી 12 જેટલા જ મત મળ્યા હતા. સમગ્ર પેનલના સાતેય ઉમેદવારોના ભેગા મળીને પણ 50 મતો થયા નહોતા, જ્યારે ભાજપ પ્રેરિત ખેડૂત કલ્યાણ પેનલના તમામ 10 ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજયી બન્યા હતા.

કિરીટ પટેલે વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા બે મહિનાથી સહકારી મંડળીઓ અને મતદારોને 'બોગસ' ગણાવી દુષ્પ્રચાર આચરવામાં આવ્યો હતો. મતદારોનું અપમાન કરનારા તત્વોને ૪૫ ગામના ધરતીપુત્રોએ લોકશાહી ઢબે સણસણતો તમાચો આપ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે પરિણામ પહેલાં જ ફટાકડા ફોડી વિજયનો દેખાડો કરનારા આપના નેતાઓને સહકારી કાયદા કે નાબાર્ડના નિયમોનું લેશમાત્ર ભાન નથી. વર્ષ 2020માં કોંગ્રેસને પણ 100 મત મળ્યા હતા, જ્યારે આપના સૂપડાં સાફ થઈ ગયા છે.

આગામી એક વર્ષમાં માણાવદર, માળિયા, માંગરોળ, વિસાવદર અને ભેસાણ APMCની ચૂંટણીઓ યોજાશે. જો આમાંથી 'આપ'નો એક પણ સભ્ય જીતશે તો હું કાયમ માટે જાહેર જીવન છોડી દઈશ. વિરોધીઓ પાયાવિહોણા આક્ષેપો બંધ કરી પહેલાં ચૂંટણી લડવા માટે 10 સક્ષમ ઉમેદવારો શોધી બતાવે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે ખેડૂતોને રૂ. 2068 કરોડનું ધિરાણ પૂરું પાડ્યું છે અને જિલ્લામાં 504 વિવિધ મંડળીઓ સફળતાપૂર્વક કાર્યરત છે.આ ભવ્ય વિજયને તેમણે ભાજપ પ્રદેશ સંગઠન અને સહકારિતા વિભાગની પારદર્શક નીતિઓ પર ખેડૂતોએ મૂકેલી મહોર ગણાવી હતી.