ગુજરાત માટે 72 કલાક ખૂબ જ ભારેઃ મધ્ય-પૂર્વ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે; ઉત્તરના ભાગોમાં હળવા ઝાપટા વરસશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, મજબૂત વરસાદી સિસ્ટમના કારણે મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 22 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થતાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 07:30 PM (IST)Updated: Thu, 10 Sep 2026 07:30 PM (IST)
ambalal-patel-weather-forecast-next-72-hours-critical-for-gujarat-heavy-rain-alert-for-central-and-east-regions

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે લગભગ સવા મહિના બાદ ગઈકાલથી સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.

આમ છતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદની ભારે ઘટના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વરસાદના અભાવે ખેતરમાં ઉભો પાક મુરઝાવા માંડતા ધરતી પુત્રો ચિંતિત છે, એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોને જરૂર હાશકારો થશે.

વરસાદી સિસ્ટમ મજબૂત બનતા 72 કલાક ખૂબ જ ભારે

અંબાબાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ અત્યંત મજબૂત બની ગઈ છે. જેની અસરથી આગામી 72 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

વડોદરા-આણંદમાં ભારે વરસાદથી પૂરનું જોખમ

આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે આ ભાગોમાં હળવું પૂર પણ આવી શકે છે. આ સિવાય પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જે વિસ્તારોમાં અગાઉ વરસાદ પડ્યો હતો અને હાલ જ્યાં જમીન તરસી છે, તેવા ભાગોમાં પણ સારો વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં મેઘાવી માહોલ જામશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જેમાં પાટણ, સમી, મહેસાણા, કડી, કલોલ, વિસનગર તેમજ સિદ્ધપુરના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, ઈડર અને હિંમતનગર તેમજ અરવલ્લીના મોડાસા સહિતના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે.

22 સપ્ટેમ્બરની આસપાસ નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યારની સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. જો કે આ વરસાદી સ્પેલ બાદ 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ નવી સિસ્ટમના કારણે ગુજરાતના જુદા-જુદા ભાગોમાં છૂટોછવાયો વરસાદ ચાલું રહેશે. આટલું જ નહીં, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે.

આજે ગુજરાતના 10 તાલુકામાં ધીમીધારે વરસાદ નોંધાયો

આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન ગુજરાતના 6 જિલ્લાના 10 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુરમાં 8 મી.મી., ભાણવડમાં 6 મી.મી., ઓખા મંડળમાં 2 મી.મી., રાજકોટના ઉપલેટામાં 7 મી.મી., વલસાડના ધરમપુરમાં 5 મી.મી., કપરાડામાં 2 મી.મી. તેમજ જામનગરના લાલપુરમાં 2 મી.મી ધીમીધારે વરસાદ વરસ્યો છે.