Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને માતાજીની આરાધનાનો પર્વ શરૂ થઈ રહ્યો છે. એવામાં શિયાળાની શરૂઆત પહેલા ગુજરાતમાં ધીમે-ધીમે તાપમાન ઊંચુ જઈ રહ્યું છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, નવરાત્રી દરમિયાન ગુજરાતમાં અકળાવનારી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ખાસ કરીને નવરાત્રીની શરૂઆતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રીની રેન્જમાં રહી શકે છે. જ્યારે કોઈ-કોઈ ભાગમાં 40 ડિગ્રીથી પણ ઊંચુ જવાની શક્યતા રહેશે. આ સિવાય ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ લાવશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અરબ સાગર તરફથી આવતા ભેજના કારણે 21 ઓક્ટોબર બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ઓક્ટોબર મહિનાના અંતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના પરિણામે 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે વરસાદી માહોલ જામશે. આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ નહીં પડે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો છવાશે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.
એટલે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રી દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. જેથી ગરબે ઘૂમવા થનગની રહેલા ખેલૈયાઓ અને ગરબા આયોજકોને મોટી હાશ થશે. જો કે નવરાત્રી બાદ અને દિવાળી પહેલા ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
