Ambalal Patel Weather Forecast: નવેમ્બર મહિનો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ હજુ સુધી ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી જામી નથી. વહેલી પરોઢે અને રાતના સમયે ઠંડીનો ચમકારો જરૂર અનુભવાય છે, પરંતુ તેને બાદ કરતાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ રહે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
21 નવેમ્બર બાદ ઠંડી જોર પકડશે | Gujarat Winter Forecast
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલું 'અકવાન' વાવાઝોડું આવતીકાલે 20 નવેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. જેના બીજા દિવસથી એટલે કે 21 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.
હાલ કોઈ પશ્ચિમી વિક્ષોપ સક્રિય ના હોવાથી ગુજરાત પર વાવાઝોડાની અસર ઓછી થશે. આ વાવાઝોડા દરમિયાન પવનની સામાન્ય ગતિ 120 કિલોમીટર તેમજ મહત્તમ ગતિ 150 કિલોમીટર પ્રતિકલાકની આસપાસ રહી શકે છે. આ વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગર તરફ જતા ચક્રવાતની અસરના કારણે સૌરાષ્ટ્રના કોઈ-કોઈ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે.
27 નવેમ્બરે મધ્યમ કક્ષાનો પશ્ચિમી વિક્ષોપ સક્રિય થશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરની આસપાસ એક મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષોપની શક્યતા છે. જેના કારણે દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. આ પશ્ચિમી વિક્ષોપની અસરથી ગુજરાતનું મહત્તમ તાપમાન ઘટીને 30 થી 32 ડિગ્રીની રેન્જમાં રહી શકે છે.
જે બાદ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બંગાળના ઉપસાગરમાં ફરીથી હલચલ જોવા મળી શકે છે. 4 થી 13 ડિસેમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનવાની શક્યતા છે. આ દિવસોમાં ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળો છવાઈ શકે છે. 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર ભાગમાં ભારે હિમ વર્ષા થવાથી ગુજરાતમાં ઠંડી જોર પકડશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, જાન્યુઆરીની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાને પગલે તે મહિનો પણ ઠંડો રહી શકે છે. આ સાથે જ અલ નીનોની અસર ફેબ્રુઆરી મહિના સુધી રહેવાની શક્યતા છે.
