Gujarat Weather Forecast Updates (19 November 2026) | આજનું હવામાન તાપમાન: અડધો નવેમ્બર મહિનો પૂરો થઇ ગયો છે. પરંતુ ગુજરાતમાં હજી શિયાળાની જમાવટ જોવા મળી રહી નથી. લાગી રહ્યું હતું કે 15 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળશે. પરંતુ હજી સુધી ઠંડીનો જોઇએ તેવો ચમકારો જોવા મળ્યો નથી. જોકે આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. બંગાળની ખાડીમાં આકાર પામેલું અકવાન વાવાઝોડું આગામી 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની શું છે લેટેસ્ટ આગાહી | Latest Gujarat Weather IMD Forecast
હવામાન વિભાગ અનુસાર, આજે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં હવામાન સૂકું રહ્યું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહ્યું હતું. હાલ પ્રદેશમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વીયથી પૂર્વીય દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
20 નવેમ્બરે નરસાપુર અને પુરી વચ્ચે વાવાઝોડું ટકરાશે | Cyclone Strom Akvan latest Update
બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા અકવાન વાવાઝોડા અંગે વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર, અકવાન વાવાઝોડું આજે પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં કેન્દ્રિત હતું. છેલ્લા 6 કલાક દરમિયાન તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ખસ્યું છે. હાલમાં આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના નરસાપુરથી આશરે 540 કિમી દક્ષિણ-પૂર્વ અને કલિંગપટ્ટનમથી 600 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, જ્યારે તમિલનાડુના ચેન્નઈથી 570 કિમી પૂર્વમાં છે. ઓડિશાના ગોપાલપુરથી તે 690 કિમી દક્ષિણ અને પુરીથી 750 કિમી દક્ષિણમાં નોંધાયું છે. આગામી 20 નવેમ્બરના રોજ અકવાન વાવાઝોડું અતિ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે ઉત્તર આંધ્ર પ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહેલું આ વાવાઝોડું નરસાપુર અને પુરી વચ્ચેના કાંઠે ટકરાશે. એ સમયે પવનની ઝડપ 90 થી 110 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, વિદર્ભ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
રાજ્યમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન | City Wise Minimum Tempreture
ગઇકાલે 16 નવેમ્બરના રોજ રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં અને અમરેલીમાં સૌથી ઓછું 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 19.4, મહુવામાં 19.9, સુરતમાં 20, ગાંધીનગરમાં 20.5, કેશોદમાં 21.2, અમદાવાદમાં 21.2, પોરબંદરમાં 21.5, ભાવનગરમાં 21.6, રાજકોટમાં 21.7, ડીસામાં 21.8, ભુજમાં 22.2, વેરાવળમાં 22.7, સુરેન્દ્રનગરમાં 22.8, કંડલા પોર્ટમાં 23.3, દ્વારકામાં 24.2 અને ઓખામાં 25.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન | City Wise Maximum Tempreture
રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગઇકાલે 16 નવેમ્બર 2026ના રોજ 36.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ભુજમાં 36 ડિગ્રી, રાજકોટમાં 35.9, ડીસામાં 35.5, કેશોદમાં 34.6, કંડલા પોર્ટમાં 34.5, અમરેલીમાં 34.5, સુરેન્દ્રનગરમાં 34.5, વલ્લભ વિદ્યાનગરમાં 34.1, વડોદરામાં 34, સુરતમાં 33.9, મહુવામાં 33.6, અમદાવાદમાં 33.5, ગાંધીનગરમાં 33.5, પોરબંદરમાં 33, ભાવનગરમાં 32.7, વેરાવળમાં 32.7, દ્વારકામાં 31.4, ઓખામાં 31.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદનું આજનું હવામાન | Ahmedabad Weather Today
આજે અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 18ની આસપાસ રહેવાની શક્યતા છે. આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.
રાજકોટનું આજનું હવામાન | Rajkot Weather Today
રાજકોટમાં આકાશ ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.
સુરતનું આજનું હવામાન | Surat Weather Today
સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. શહેરમાં આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહેશે.
વડોદરાનું આજનું હવામાન | Vadodara Weather Today
વડોદરા શહેરમાં આજે આકાશ ચોખ્ખું રહી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે.
