પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાતમાં માવઠાનો કોઈ ખતરો નહીં, 20 નવેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમથી ગુજરાતમાં માવઠાનો કોઈ ખતરો નથી. 20-21 નવેમ્બરથી તાપમાન ઘટશે અને ઠંડીની વિધિવત શરૂઆત થશે, સાથે જ ઝાકળ વર્ષાનો નવો રાઉન્ડ પણ જોવા મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Nov 2026 03:29 PM (IST)Updated: Tue, 17 Nov 2026 03:29 PM (IST)
paresh-goswami-weather-forecast-no-rain-threat-winter-chill-from-nov-20-in-gujarat

Paresh Goswami Weather Forecast: 'અલ નીનો'ની અસરથી આ વર્ષે ગુજરાતના હવામાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉ ચોમાસામાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઈ હતી, જે બાદ શિયાળાની શરૂઆતમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને નવેમ્બર મહિનાના 15 દિવસો વીતવા છતાં રાજ્યમાં જોઈએ તેવી ઠંડી જોવા નથી મળતી. તેમજ બંગાળની ખાડીમાં ઉઠી રહેલા એક પછી એક ચક્રવાતના કારણે પણ ગુજરાતના હવામાન પર વિપરિત અસર જોવા મળી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં બનેલી મજબૂત હવામાન સિસ્ટમના કારણે ગુજરાતમાં માવઠાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

ગુજરાતમાં માવઠાનો કોઈ ખતરો નહીં, ઝાકળ વર્ષાનો નવો રાઉન્ડ આવશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં માવઠું થવાનો કોઈ ખતરો નથી. આગામી 20 અને 21 નવેમ્બરના રોજ ગુજરાતમાં તાપમાન ઘટવાની સાથે જ ઠંડીની વિધિવત શરૂઆત થશે. આ સાથે જ ઝાકળ વર્ષાનો નવો રાઉન્ડ પણ જોવા મળશે.

બંગાળની ખાડીની સિસ્ટમ ફંટાઈ, ઓડિશાના કાંઠે લેન્ડિંગ

ગત 16 નવેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ આકાર લઈ ચૂકી છે, જે બીજા દિવસે એટલે કે 17 નવેમ્બરે મજબૂત બની છે. 18 નવેમ્બરે આ સિસ્ટમ અત્યંત તીવ્ર ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.

શરૂઆતના તબક્કે આ સિસ્ટમ મ્યાનમાર તરફ જતી દેખાતી હતી, પરંતુ હવે તેણે પોતાનો ટ્રેક બદલી ભારતના પૂર્વ કિનારા તરફ ફંટાઈ છે. આગામી 21 નવેમ્બર સુધીમાં આ સિસ્ટમ નબળી પડીને વિખેરાઈ જશે. ખાસ વાત એ છે કે, આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશા એટલે કે ગુજરાત તરફ આવવાની નથી.  

20 નવેમ્બરથી તાપમાન ઘટતાં ઠંડી વધશે

અત્યારે ગુજરાતમાં વાતાવરણ એકદમ ચોખ્ખુ રહેવાનું છે. 21 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીની સિસ્ટમ વિખેરાઈ ગયા બાદ ગુજરાતના વાતાવરણમાં ઠંડક પ્રસરશે. 20-21 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે.

હાલ રાત્રિનું તાપમાન નોર્મલ છે, જ્યારે દિવસનું તાપમાન પણ સામાન્ય કરતા 2 ડિગ્રી જેટલું ઊંચુ નોંધાઈ રહ્યું છે. 20-21 નવેમ્બરથી દિવસના તાપમાનમાં ઘટાડો થશે અને ફુલગુલાબી ઠંડી સાથે શિયાળો જોર પકડશે.


વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ સિસ્ટમ પસાર થયા બાદ વાતાવરણમાં પલટો આવશે. અરબ સાગર પરથી આવતા પવનોના કારણે ગુજરાતમાં 20 અને 21 નવેમ્બરથી ઝાકળનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. એટલે કે શિયાળાની શરૂઆત સાથે જ વહેલી સવારે ઝાકળ જોવા મળશે.