'અલ નીનો'ની અતિ તીવ્ર અસરઃ પહેલા શિયાળામાં વિલંબ, હવે ગુજરાતમાં કસ કાતરા પણ ગાયબ થતાં ચોમાસાને લઈ ચિંતા વધી!

ગુજરાતમાં અલ નીનોની તીવ્ર અસરથી શિયાળાની શરૂઆતમાં વિલંબ થયો છે અને હાલ કસ કાતરા પણ જોવા નથી મળી રહ્યા. જેના પરિણામે આવનારા ચોમાસાને લઈને ચિંતા વધી છે. જો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અન્ય સાનુકુળ પરિબળોથી ચિત્ર બદલાઈ શકે છે. જેથી ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી. ચોમાસાની સચોટ આગાહી એપ્રિલ મહિનામાં કરવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 16 Nov 2026 12:00 AM (IST)Updated: Mon, 16 Nov 2026 12:00 AM (IST)
paresh-goswami-forecast-severe-el-nino-delays-winter-and-erases-kas-katara-raising-gujarat-monsoon-concerns

Paresh Goswami Forecast: આ વર્ષે ગુજરાતના હવામાનમાં 'અલ નીનો'ની મજબૂત અસર જોવા મળી રહી છે. અગાઉ ચોમાસામાં પણ અપેક્ષા પ્રમાણે વરસાદ નથી પડ્યો અને હવે શિયાળામાં પણ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં અલ નીનો ગુજરાતના વાતાવરણ પર કેવી અસર કરશે, તેને લઈને વિગતવાર માહિતી આપી છે.

જાન્યુઆરીથી 'અલ નીનો' નબળુ પડી શકે છે

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર બાદ નવેમ્બર મહિનામાં પણ અલ નીનો મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં સ્ટ્રોન્ગ રહેવાની સંભાવના છે. જે બાદ જાન્યુઆરી મહિનાથી અલ નીનો ક્રમશઃ નબળો પડી શકે છે.

આ વર્ષે અલ નીનોની માઠી અસરના કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પણ મોડેથી થઈ છે. હવામાનના દેશી વિજ્ઞાન મુજબ, ખૂબ જ મહત્ત્વના ગણાતા કસ કાતરા પણ આ વર્ષ ગાયબ જોવા મળી રહ્યા છે, જે આવનારા ચોમાસા માટે પ્રાથમિક તબક્કે ચિંતાજનક સંકેત આપે છે.

શિયાળાની મોડી શરૂઆત અને ઝાકળ પણ જોઈએ તેવી નહીં | Paresh Goswami Forecast 

અલ નીનોની તીવ્ર અસરના કારણે આ વર્ષે શિયાળાની વિધિવત શરૂઆત લગભગ 8 દિવસ જેટલી મોટી થઈ રહી છે. મોટાભાગે શિયાળાની શરૂઆતમાં ઝાકળનો રાઉન્ડ આવે, ત્યારે ઓછામાં ઓછા 3 થી 6 દિવસ સુધી રહેતો હોય છે. જો કે આ વર્ષે ઝાકળ માત્ર 2 દિવસ દેખાઈને ગાયબ થઈ જાય છે. ઝાકળના દિવસોમાં ઘટાડો પણ અલ નીનોની માઠી અસર દર્શાવે છે.

આવનારા ચોમાસા માટે કેમ ચિંતાજનક સ્થિતિ | Gujarat Monsoon

ગુજરાતમાં પ્રાચીન દેશી વિજ્ઞાન અને પરંપરાગત હવામાન પદ્ધતિમાં 'કસ કાતરા'નું વિશેષ મહત્ત્વ રહેલું છે. કારતક મહિનાની એકમ એટલે કે બેસતા વર્ષથી લઈને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધીના સમયગાળામાં સાંજના સમયે આકાશમાં ઊંચાઈ પર ખાસ પ્રકારના લાલચોળ લિસોટા દેખાય, તેને કસ કહેવામાં આવે છે.

આપણા દેશી વિજ્ઞાન મુજબ, જે દિવસે કસ થાય, તેના 225 દિવસ પચી ચોમાસામાં વરસાદના રૂપમાં તેની અસર જોવા મળે છે. જો કે કારતક મહિનાના પ્રથમ 5 દિવસ એટલે કે લાભ પાંચમ પણ વીતી ગઈ, પરંતુ હજુ સુધી ગુજરાતમાં ક્યાય પણ યોગ્ય કસ જોવા નથી મળ્યો. માત્ર બે-પાંચ સિમિત સ્થળોએ સામાન્ય કસ જોવા મળ્યા, પરંતુ તે સિવાય સમગ્ર રાજ્યમાં કસનો અભાવ છે. અલ નીનોની સક્રિયતાના કારણે કસ ના થવાથી પ્રારંભિક તબક્કે ચોમાસું નબળું રહેવાની ભીતિ રહે છે.

ચોમાસા માટે અન્ય પરિબળો સાનુકુળ રહેતા ચિત્ર બદલાઈ શકે છે

કસ કાતરા નબળા હોવા છતાં ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન નિષ્ણાંતના મતે, દેશી વિજ્ઞાન માત્ર કસ કાતરા પર નિર્ભર નથી, પરંતુ તેમના અન્ય અનેક ફેક્ટરો પણ ભાગ ભજવે છે. જેમકે ચૈત્રી પવન (ચૈત્ર મહિનામાં વાતા પવનોની દિશા અને ગતિ), ચૈત્રી દનૈયા (ચૈત્ર માસમાં તપતા દનૈયાની તીવ્રતા), અખાત્રીજનો પવન (અક્ષય તૃતિયાના દિવસે પવનની સ્થિતિ) અને હોળીનો પવન (હોળીના દિવસે પવનની દિશા)

જો આવનારા દિવસોમાં ઉપરોક્ત તમામ પરિબળો સાનુકુળ રહેશે, તો કસ કાતરાની નબળી સ્થિતિ હોવા છતાં આખું ચિત્ર બદલાઈ શકે છે અને સારા વરસાદની શક્યતાઓ સર્જાઈ શકે છે.

આ સાથે જ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે, અત્યારે કસકાતરાના આધારે જે નબળાઈ દેખાઈ રહી છે, તે પ્રારંભિક સંકેત છે. આગામી વર્ષના ચોમાસાની આખરી અને સચોટ આગાહી એપ્રિલ મહિનામાં કરવામાં આવશે.