પરેશ ગોસ્વામીની આગાહીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જશે અસ્થિરતા, ચોમાસાની વિદાય છતાં નવરાત્રીની શરૂઆતમાં જ હવામાન પલટાઈ શકે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 5 કે 6 ઓક્ટોબરે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે. 10 ઓક્ટોબરથી બે દિવસ નવરાત્રી દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 03 Oct 2026 06:12 PM (IST)Updated: Sat, 03 Oct 2026 06:12 PM (IST)
paresh-goswami-weather-forecast-gujarat-monsoon-withdrawal-and-western-disturbance-impact-from-october-10

Paresh Goswami Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી છૂટાછવાયા વરસાદી ઝાપટાંની ગતિવિધિઓ વચ્ચે નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયાને વેગ મળ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાંથી ચોમાસાની વિધિવત વિદાય અને વરસાદની શક્યતાને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અગાઉ 23 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી હતી, પરંતુ ત્યારબાદ વિદાય પ્રક્રિયા અટકી પડી હતી.

જો કે હવે આગામી 24 થી 36 કલાકમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા પુનઃ શરુ થશે. જે બાદ 5 અથવા 6 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ જશે. આ સાથે જ તારીખ 4 થી 9 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.

આગામી 24 કલાક એટલે કે 4 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટિના કારણે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે.

10 ઓક્ટોબરથી બે દિવસ ગુજરાતમાં સામાન્ય માવઠાની આશંકા

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ચોમાસાની વિદાય બાદ 9 ઓક્ટોબર સુધી હવામાન સંપૂર્ણ સુકુ રહેશે. જો કે 10 થી 12 ઓક્ટોબર દરમિયાન ઉત્તર ભારતમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અથવા ગરમી વધવાના કારણે અસ્થિરતા સર્જાઈ શકે છે.

ખાસ વાત એ છે કે, 11 ઓક્ટોબરથી માતાજીની આરાધનાનો પર્વ આવી રહ્યો છે. આથી નવરાત્રિની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવી શકે છે. જેના પરિણામે 10 ઓક્ટોબરથી બે દિવસ રાજસ્થાન સરહદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના સિમિત વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે. જો કે પાણીની આવક થાય તેવા ભારે વરસાદની કોઈ શક્યતા નથી.