અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળોઃ સ્પાઈસજેટની બાગડોગરા જતી ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થતાં પેસેન્જરો રઝળ્યા

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસજેટની બાગડોગરા જતી ફ્લાઈટ SG-637 છેલ્લી ઘડીએ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. સ્ટાફના ઉડાઉ જવાબથી રોષે ભરાયેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો, જે છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટ રદ થવાના બનાવોનો ભાગ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Nov 2026 10:24 PM (IST)Updated: Sun, 15 Nov 2026 10:24 PM (IST)
spicejet-flight-cancelled-at-ahmedabad-airport-35-passengers-including-air-force-jawans-family-stranded

Ahmedabad: છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઈટ મોડી પડવા કે કેન્સલ થતાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના હોબાળાના બનાવો સતત સામે આવી રહ્યા છે. અગાઉ ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટો રદ્દ કે ડીલે થતાં રઝળી પડેલા મુસાફરો અને એરલાઈન સ્ટાફ વચ્ચે જીભાજોડી થઈ હતી. એવામાં વધુ એક વખત સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ થતાં એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોએ ટર્મિનલ માથે લીધુ હતુ.

એરલાઈન્સ સ્ટાફે ઉડાઉ જવાબ આપતા મુસાફરો ભડક્યા

હકીકતમાં આજે બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી સ્પાઈસજેટની ફ્લાઈટ SG-637 બાગડોગરા જવા માટે શિડ્યુલ હતી. જો કે ફ્લાઈટ ઉપડવાની છેલ્લી ઘડીએ કોઈપણ જાતની પૂર્વ સૂચના વિના કેન્સલ કરી દેવામાં આવતા ટિકિટ બુકિંગ કરાવેલા મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.

અકળાયેલા મુસાફરો એરલાઈન્સના કાઉન્ટર પર પહોંચ્યા હતા, જ્યાં પોતાની નારાજગી વ્યક્ત કરવા સાથે વૈકલ્પિક ફ્લાઈટ અથવા ટિકિટના રિફંડની માંગણી કરવામાં આવી હતી. આ સમયે ફરજ પર હાજર સ્ટાફે ઉડાઉ જવાબ આપતા મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી

હાલ દિવાળીના તહેવારોમાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ કેન્સલ થવા કે મોડી પડવાના કારણે મુસાફરો રઝળી પડે છે.

અગાઉ 13 નવેમ્બર, શુક્રવારના રોજ પણ સ્પાઈસ જેટની 3 અને ઈન્ડિગોની 4 મળીને કુલ 7 ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ કરી દેવામાં આવી હતી. જેના કારણે અનેક મુસાફરોએ ટુરનું શિડ્યુલ ખોરવાઈ ગયું હોવાની ફરિયાદ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, સ્પાઈસ જેટ હાલ ગંભીર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. સ્પાઈસ જેટને દુબઈ એરપોર્ટ ઓથોરિટીને 35 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે. આથી સ્પાઈશજેટની દુબઈ જતી અનેક ફ્લાઈટો રદ્દ થઈ રહી છે. વેકેશનના સમયમાં છેલ્લી ઘડીએ ફ્લાઈટો એક પછી એક રદ્દ થઈ જતાં મુસાફરોનો સમય અને નાણાં બન્નેનો વ્યય થાય છે.