સરદાર પટેલની 151મી જન્મજયંતિ: SOU પર રોશનીનો અનોખો નજારો, એકતા નગરમાં 17 ઓક્ટોબરથી 'એકતા પ્રકાશ પર્વ-2026'ની ભવ્ય ઉજવણી

એકતા નગર ખાતે સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 17 ઓક્ટોબર, 2026 થી 15 જાન્યુઆરી, 2027 દરમિયાન 'એકતા પ્રકાશ પર્વ-2026'નું આયોજન થશે. આ ભવ્ય પર્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર થીમ આધારિત રોશની, લાઈટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે, જે રાત્રિ પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 08:15 PM (IST)Updated: Sat, 10 Oct 2026 08:15 PM (IST)
ekta-prakash-parv-2026-statue-of-unity-all-set-to-glow-for-sardar-patels-151st-birth-anniversary

Ekta Prakash Parv 2026: ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ગૌરવનું વૈશ્વિક પ્રતીક બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની 151મી જન્મજયંતિના અવસરે રોશનીના રંગોમાં ઝળહળી ઊઠવા સજ્જ છે.

આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી તેમજ ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સવી માહોલને વધુ યાદગાર બનાવવા એકતા નગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નું 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે પ્રથમવાર યોજાયેલા એકતા પ્રકાશ પર્વને મળેલા અદ્ભુત પ્રતિસાદ અને સફળતાને પગલે આ વર્ષે ત્રણ મહિના સુધી આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન એકતા નગરના મુખ્ય માર્ગો, ઇમારતો અને વૃક્ષો આકર્ષક રોશનીથી શણગારાશે. થીમ આધારિત લાઈટિંગ, ભવ્ય પ્રકાશ સજાવટ અને સરદાર સરોવર ડેમનો વિશેષ ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓને એક અનોખી અનુભૂતિ કરાવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વિકસિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના પ્રવાસન નકશા પર ભારતની આગવી ઓળખ બની રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતિમા, નર્મદા નદીનો વિશાળ જળવિસ્તાર, સરદાર સરોવર ડેમ અને આસપાસની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને સતત આકર્ષે છે.

એકતા નગરમાં નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી અને યુનિટી ગ્લો ગાર્ડન સહિતનાં વિવિધ પ્રવાસન આકર્ષણો ઉપલબ્ધ છે અને એકતા પ્રકાશ પર્વ દરમિયાન વિશેષ ઇલ્યુમિનેશન અને થીમ આધારિત સજાવટથી એકતાનગરનું રાત્રિ સૌંદર્ય વધુ આકર્ષક બનશે.

દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, નર્મદા નદી વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને પ્રવાસન સ્થળોનો આનંદ માણ્યા બાદ રાત્રે રોશનીથી ઝળહળતા એકતાનગરને નિહાળવાનો અનુભવ પ્રવાસીઓની સફરને વધુ યાદગાર બનાવશે.

એકતા પ્રકાશ પર્વ અંતર્ગત સમગ્ર એકતા નગરને બે મુખ્ય ભાગમાં વિશેષ લાઈટિંગ અને ઇલ્યુમિનેશનથી સજાવવામાં આવશે. પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના આશરે સાત કિલોમીટરના માર્ગ પર લાઈટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ અને થીમ આધારિત પ્રકાશ સજાવટ કરવામાં આવશે.

વિવિધ સરકારી યોજનાઓ, એકતાનગરનાં પ્રવાસન સ્થળો અને દેશની વિકાસયાત્રાને રજૂ કરતા આકર્ષક લાઈટિંગ આર્ટિકલ્સ દ્વારા માર્ગને વિશિષ્ટ ઓળખ આપવામાં આવશે. મુખ્ય માર્ગ પર આવેલી ઇમારતો અને વૃક્ષોને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવશે.

7 કિમીના માર્ગ પર આકર્ષક લાઈટિંગ અને ડેમનો ડાયનેમિક લાઈટ એન્ડ સાઉન્ડ શો બનશે વિશેષ આકર્ષણ

બીજા ભાગમાં મુખ્ય માર્ગથી વેલી ઓફ ફ્લાવર્સ તરફ જતા માર્ગ સહિતના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ સ્થાપિત કરવામાં આવશે. પ્રકાશ, કલાત્મક સજાવટ અને આસપાસના કુદરતી વાતાવરણનો સમન્વય પ્રવાસીઓને નયનરમ્ય દૃશ્યોનો અનુભવ કરાવશે. આમ, એકતા નગરમાં પ્રવેશથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સફર દરમિયાન પ્રવાસીઓને ઉત્સવના રંગો અને રોશનીની સુંદર અનુભૂતિ કરાવશે.

એકતા પ્રકાશ પર્વનાં અન્ય આકર્ષણ તરીકે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલો ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો રહેશે. ડેમ વ્યૂ-પોઈન્ટ-1 પરથી નિહાળી શકાય તેવો આ શો રાત્રિના સમયે પ્રવાસીઓને ડેમના ભવ્ય સ્વરૂપનો અનોખો નજારો માણવાની તક આપશે.

વિશાળ ડેમ, નર્મદાના જળવિસ્તાર અને આસપાસના કુદરતી વાતાવરણ વચ્ચે રોશનીની આકર્ષક પ્રસ્તુતિ એકતા નગરના પ્રવાસમાં નવો અનુભવ ઉમેરશે. ખાસ કરીને રાત્રિ રોકાણ કરતા પ્રવાસીઓ દિવસ અને રાત દરમિયાન એકતાનગરનાં વિવિધ સ્વરૂપોને માણી શકશે.

એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ઓળખ, સમૃદ્ધ ઐતિહાસિક વારસો અને આધુનિક સિદ્ધિઓને એક જ મંચ પર ભવ્ય સ્વરૂપે રજૂ કરવાનો છે. આ પર્વમાં ભારતની રાષ્ટ્રીય ઓળખ, વિકાસ, ટેકનોલોજી, આરોગ્ય અને પરિવાર-કેન્દ્રિત અનુભવોને પ્રકાશ સજાવટ તથા થીમ આધારિત પ્રસ્તુતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આયોજન માત્ર પ્રવાસન આકર્ષણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશની એકતા, વિવિધતા અને પ્રગતિના સંદેશને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ પણ બની રહેશે.

આજના ડિજિટલ યુગમાં પ્રવાસીઓના ફોટોગ્રાફ્સ, વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રવાસન સ્થળોની ઓળખને દેશ-વિદેશ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એકતા પ્રકાશ પર્વ દરમિયાન પ્રવાસીઓ રોશનીથી ઝળહળતા માર્ગો, થીમ આધારિત સજાવટ અને ડેમના રાત્રિદૃશ્યોની યાદોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી શકશે અને ભારતના ગૌરવશાળી વારસાનો અનુભવ કરવા ઇચ્છતા પ્રવાસીઓ માટે એકતા પ્રકાશ પર્વ વિશેષ આકર્ષણ બની રહેશે.

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, દેશના લોખંડી પુરૂષ સરદાર સાહેબની 151મી જન્મ જયંતિ તેમજ ભારત પર્વ અને દીપોત્સવી પર્વ દરમિયાન પ્રવાસીઓને એક અનોખી યાદગીરી એકતા નગરના પ્રવાસ દરમિયાન મળે તે માટે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી એકતા પ્રકાશ પર્વનું આયોજન કરવામાં આવેલ છે.