History Of Ayodhya: અયોધ્યાનો ઈતિહાસ ભગવાન શ્રીરામ અને સૂર્યવંશ સાથે સંકળાયેલો છે. વનવાસ પુરો કરીને અને રાવણનો વધ કર્યાં બાદ ભગવાન શ્રીરામના અયોધ્યા પરત ફરવા અને તેમના રાજ્યાભિષેકની કથા તો સૌ કોઈ જાણતું જ હશે, પરંતુ શું તમે જાણો છો કે, શ્રીરામ બાદ અયોધ્યાની રાજગાદી કોણે સંભાળી અને દ્વાપર યુગમાં અયોધ્યાના રાજા કોણ હતું?
વિષ્ણુ પુરાણના ચતુર્થ અંશના અધ્યાય 4, 12 અને 22માં સૂર્ય વંશની જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રીમદ ભગવત મહાપુરાણના નવમા સ્કંધના અધ્યાય 11 અને 12માં પણ ભગવાન શ્રીરામના વંશજ અને તેમની પછીની પેઢીઓનું વર્ણન મળી આવે છે.
શ્રીરામ બાદ 'કુશ'એ અયોધ્યાની ગાદી સંભાળી
ધાર્મિક ગ્રંથો મુજબ, ભગવાન શ્રીરામને 'લવ' અને 'કુશ' નામે બે પુત્રો હતા. શ્રીરામ પછી તેમના મોટા પુત્ર 'કુશ'ને અયોધ્યાના રાજા બનાવવામાં આવ્યા હતા. જ્યારે નાના પુત્ર 'લવ'ને એક અલગ રાજ્યનું શાસન સોંપવામાં આવ્યું હોવાની વાત જણાવવામાં આવી છે.
'કુશ' પછી અયોધ્યાના રાજા કોણ બન્યું?
કુશ બાદ પણ અયોધ્યા પર સૂર્યવંશના રાજાઓનું જ શાસન રહ્યું હતુ. વિવિધ પુરાણોમાં શ્રીરામ બાદ આવનારા રાજાઓના નામોની વંશાવલી મળે છે. જેમાં કુશ પછી અતિથિનું નામ આવે છે. જે બાદ આ વંશમાં અનેક રાજા થયા, જેમાં નિષધ, નલ સહિત અન્ય શાસકોનો ઉલ્લેખ મળે છે. આમ શ્રીરામ બાદ અયોધ્યાની સત્તા કોઈ અન્ય વંશજના હાથમાં નથી ગઈ, પરંતુ તેમના જ સૂર્યવંશી વંશજોએ જ રાજગાદી સંભાળી હતી.
ત્રેતા થી દ્વાપર યુગ સુધી સૂર્યવંશની પરંપરા ચાલી
ત્રેતા યુગ બાદ દ્વાપર યુગ આવ્યો, ત્યાં સુધી સૂર્યવંશની અનેક પેઢીઓ વીતી ચૂકી હતી. અયોધ્યામાં શ્રીરામના વંશજોનું રાજ ભલે લાંબા સમય સુધી ચાલ્યું હોય. આ વંશાવલીમાં આગળ જતા બૃહત્બલનું નામ પણ મળે છે, જેમને અયોધ્યાના સૂર્યવંશી રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેમનો ઉલ્લેખ મહાભારત કાળ સાથે પણ સંકળાયેલો છે.
મહાભારતના યુદ્ધમાં કૌરવ તરફથી બૃહત્બલ લડ્યા હતા
દ્વાપર યુગના અંતિમ તબક્કામાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, ત્યારે અયોધ્યાના રાજા બૃહત્બલે કૌરવો તરફથી યુદ્ધ કર્યું હતુ. બૃહત્બલ કૌરવ સેનામાં સામેલ થઈને પાંડવો વિરુદ્ધ લડ્યા હતા. મહાભારતના યુદ્ધ દરમિયાન બૃહત્બલનો સામનો અભિમન્યુ સાથે થયો હતો. જેમાં અભિમન્યુએ બૃહત્બલનો વધ કરી નાંખ્યો હતો.
ઘણાં લોકોને લાગે છે કે, ભગવાન શ્રીરામ બાદ અયોધ્યાનો ઇતિહાસ સમાપ્ત થઈ ગયો હોત, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં આવો કોઈ ઉલ્લેખ નથી મળતો. શ્રીરામ બાદ તેમના પુત્ર 'કુશ'એ અયોધ્યા પર શાસન કર્યું અને તેમના પછી પણ ભગવાન શ્રીરામના વંશજોએ જ અયોધ્યાનગરી પર રાજ કર્યું હતુ.
