Mole on Lips: સામુદ્રિક શાસ્ત્રમાં (Samudrik Shastra) શરીરના અલગ-અલગ અંગો પર જોવા મળતા તલ વ્યક્તિના સ્વભાવ, ભાગ્ય અને ભવિષ્ય વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિના હોઠ પર તલ હોય તો તે તેના ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. મોટાભાગે તલને લોકો સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ સામુદ્રિક શાસ્ત્રમાં તેનું આગવું મહત્ત્વ માનવામાં આવ્યું છે.
આટલું જ નહીં, સામુદ્રિક શાસ્ત્રમાં આપણા શરીરના બાંધાથી માંડીને નિશાનો સહિત દરેક વસ્તુ માટે કંઈકને કંઈક કહેવામાં આવ્યું છે, તો ચાલો જાણીએ હોઠના અલગ-અલગ ભાગો પર આવેલા તલ કેવા સંકેત આપે છે.
ઉપલા હોઠ પર ડાબી બાજુ તલ
જો કઈ મહિલાને ઉપરના હોઠ પર ડાબી બાજુ પર તલ હોય, તો તેને ખૂબ જ સારો જીવન સાથી મળે છે. જીવન સાથીની બાબતમાં આ વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમનો પાર્ટનર તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં ભરપુર સાથ આપે છે.
જ્યારે જો કોઈ પુરુષના ઉપલા હોઠ ઉપર તલ હોય, તો આવા પુરુષ સ્વભાવમાં ખૂબ જ કડક હોય છે, પરંતુ પોતાના નિકટના સ્વજનો પ્રત્યે તેમનો વ્યહાર ખૂબ જ નરમ હોય છે.
ઉપરના હોઠ પર જમણી બાજુ તલ
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો તમારા ઉપરના હોઠની જમણી બાજુ તલ હોય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આવા લોકોને મોટાભાગે જીવનસાથીનો સાથ ઓછો મળે છે, પરંતુ તેઓ સ્વભાવે ખૂબ જ મિલનસાર હોય છે.
નીચેના હોઠ પર ડાબી બાજુ તલ
જો કોઈ વ્યક્તિના નીચેના હોઠ પર ડાબી બાજુ તલ હોય, તો આવા લોકો કામમાં ખૂબ જ નિપુણ હોય છે. આવી વ્યક્તિ દરેક કામમાં પરફેક્ટનો આગ્રહ રાખે છે. પોતાની આજ ખૂબીના કારણે આવી વ્યક્તિ કામકાજના સ્થળે પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવે છે. આટલું જ નહીં, આ લોકો સ્વભાવમાં પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને ખાવાના પણ શોખિન હોય છે.
નીચેના હોઠની જમણી તરફ તલ
જે લોકોના નીચેના હોઠની જમણી બાજુ તલ હોય, તો તેઓ નવા અને સ્ટાઈલિસ્ટ કપડા પહેરવાના શોખિન હોય છે. આવા લોકો નવી-નવી વાનગીઓ ખાવાના પણ શોખીન હોય છે. જો કે આવી વ્યક્તિને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.
હોઠના બરોબર ઉપર તલ હોય
જે લોકોના હોઠની બરોબર ઉપર તલ હોય, તો આવા લોકો વાતચીત કરવામાં પાવરધા હોય છે. તેમની માર્કેટિંગ સ્કીલ ખૂબ જ સારી હોય છે અને સારા વક્તા સાબિત થઈ શકે છે. આવા લોકો લક્ઝરી લાઈફ જીવવાનું વધારે પસંદ કરે છે.
