ChargeZone EV Charging Stations: દેશના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ઇલેક્ટ્રિક વાહનોની અવરજવરને વેગ આપવા માટે આગામી સમયમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશભરમાં એક હજાર અત્યાધુનિક ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે.
નેશનલ હાઇવે પર ચાર્જિંગ સુવિધા સરળ બનવાથી લાંબા રૂટ પર મુસાફરી કરતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને પરંપરાગત પેટ્રોલ-ડીઝલ વાહનોના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનું વલણ વધુ મજબૂત બનશે.
આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ વડોદરાની અગ્રણી કંપની 'ચાર્જઝોન'ને ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસો, ટ્રકો અને વ્યાપારી વાહનોના કાફલા માટે અબજો ડોલરના લાંબા ગાળાના એનર્જી કોન્ટ્રાક્ટ્સ પ્રાપ્ત થયા છે. આ કરારોનું મૂલ્ય એક અબજ અમેરિકી ડોલરથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે.
આ વ્યાપક કરાર હેઠળ કંપની દ્વારા દેશના પ્રમુખ હાઇવે કોરિડોર પર કુલ 1,000 નવા ચાર્જિંગ પોઈન્ટ્સ વિકસાવવામાં આવશે. આ નવા માળખાકીય એકમો શરૂ થયા બાદ દરરોજ આશરે 15 હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનો સરળતાથી ચાર્જ થઈ શકશે.
કંપનીના ફાઉન્ડર અને CEO કાર્તિકેય હરિયાણીના જણાવ્યા અનુસાર, ભારતનું EV માર્કેટ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જ્યાં વિકાસ માત્ર સ્ટેશનોની સંખ્યા પર નહીં, પરંતુ વેચાતી ઊર્જા અને સાધનોના સતત ઉપયોગ પર આધારિત છે. વ્યાપારી વાહનો અને બસો માટે લાંબા ગાળાના ડિમાન્ડ કોન્ટ્રાક્ટ થવાથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરવામાં અને ભવિષ્યમાં મોટા પાયે મૂડી રોકાણ આકર્ષવામાં સરળતા રહેશે.
નાણાકીય બાબતો અંગે વાત કરતા કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) મનીષ મધોગરિયાએ જણાવ્યું કે, ઇવી ચાર્જિંગ એ મૂડી પ્રધાન વ્યવસાય છે, અને આ લાંબા ગાળાના કરારોથી કંપનીને આવનારા સમયમાં રેવન્યુ અંગે સ્પષ્ટ દૃશ્યતા મળશે. આ મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કંપનીએ ભારતીય બેંકો દ્વારા અઢી કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ મેળવી લીધું છે.
આ ઉપરાંત વર્ષ 2026-2027 દરમિયાન વધુ 10 કરોડ ડોલર એકત્ર કરવાની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી નેટવર્કમાં વધારાની 180 મેગાવોટ ચાર્જિંગ ક્ષમતા ઉમેરાશે, જેના પરિણામે કંપનીની કુલ સંચિત કેપેસિટી વર્તમાન 120 મેગાવોટથી વધીને સીધી 300 મેગાવોટ પર પહોંચી જશે.
