વડોદરા ખાતે ડિસેમ્બરમાં યોજાશે VCCI એક્સ્પો 2026, પશ્ચિમ ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક પ્રદર્શન

ડિસેમ્બરમાં યોજાનાર VCCI એક્સ્પો 2026 માં ભારત અને વિદેશના 700થી વધુ પ્રદર્શકો ભાગ લેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 11:43 PM (IST)Updated: Mon, 26 Oct 2026 11:43 PM (IST)
vadodara-vcci-expo-2026-msme-industrial-exhibition-in-december-2026

Vadodara VCCI Expo 2026: વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 12મા રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક પ્રદર્શન 'VCCI એક્સ્પો 2026' ની જાહેરાત કરવામાં આવી છે. આ ચાર દિવસીય ભવ્ય પ્રદર્શન આગામી 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર, 2026 દરમિયાન લક્ષ્મી વિલાસ પેલેસ સ્થિત નવલખી મેદાન ખાતે યોજાશે.

એક્ઝિબિશનના ચેરમેન અને VCCI પ્રમુખ હિમાંશુ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 9 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં 17 થી વધુ મોટા ડોમ સાથે પ્રદર્શન તૈયાર કરાશે, જે પશ્ચિમ ભારતનું સૌથી મોટું અસ્થાયી માળખું બની રહેશે. એક્સ્પોમાં ભારત અને વિદેશના 700થી વધુ પ્રદર્શકો ભાગ લેશે, જે 27 થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે.

આ ઈવેન્ટમાં 2 લાખથી વધુ વ્યવસાયિક મુલાકાતીઓ આવે તેવી ધારણા છે. હાલ સુધીમાં 82 ટકા સ્ટોલનું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે. આ આયોજન નાના ઉદ્યોગો (MSME), મોટા ઉદ્યોગો, પબ્લિક સેક્ટર યુનિટ્સ, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને એક સમાન મંચ પૂરો પાડશે.

VCCI માનદ મંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ, પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ 'વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ' રહેશે. જેમાં 80થી વધુ મોટા ઉદ્યોગો અને PSU ભાગ લેશે, જેનાથી MSME એકમોને સીધા બાયર-સપ્લાયર મીટિંગ્સ અને સ્થાનિક સોર્સિંગની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.

VCCI ઉપ-પ્રમુખ જલેન્દુ પાઠકે ઉમેર્યું કે, નવા ઉદ્યોગસાહસિકો માટે ખાસ 'સ્ટાર્ટઅપ પેવેલિયન' પણ ઊભું કરવામાં આવશે. આ વર્ષે 'સેમિકન્ડક્ટર કોન્કલેવ' પણ યોજાશે. કન્વીનર સુધીર નાયકના જણાવ્યા અનુસાર, આ સત્રમાં VLSI ડિઝાઇન, એડવાન્સ્ડ પેકેજિંગ અને સપ્લાય ચેઇન જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરાશે.

વધુમાં, UAE નું RAKEZ આ ઈવેન્ટમાં વ્યુહાત્મક સહયોગી તરીકે જોડાયું છે, જે ભારત-UAE વેપાર સંબંધોને મજબૂત બનાવશે. Elmex, Matrix Comsec અને KEI Industries જેવી અગ્રણી કંપની આ ઈવેન્ટમાં સ્પોન્સર તરીકે સહયોગ આપી રહી છે. 1969 થી કાર્યરત VCCI હાલ 2,500થી વધુ સભ્ય ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ પ્રદર્શન પ્રદેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.