Rajkot Lodhika Cooperative Sangh Election: રાજકોટ-લોધિકા સહકારી સંઘની પ્રતિષ્ઠિત ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર મેન્ડેટની અવગણના કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા 4 અગ્રણીઓ સામે જિલ્લા ભાજપ સંગઠને લાલ આંખ કરી છે અને તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવા માટે પ્રદેશ મોવડીમંડળને રિપોર્ટ સોંપ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સહકારી સંઘની ચૂંટણીમાં પક્ષના વલણ વિરુદ્ધ જઈ કેટલાક આગેવાનોએ બળવાખોર ઉમેદવારી નોંધાવી હતી. આ બાબતને ગંભીર શિસ્તભંગ ગણી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સીધો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પત્ર વ્યવહાર કર્યો છે.
પત્રમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને મેન્ડેટનું ઉલ્લંઘન કરવા બદલ ચારેય આગેવાનો સામે આકરા પગલાં ભરવાની ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.
વિજયભાઇ સખીયા – ડિરેક્ટર રાજકોટ ડેરી તેમજ પ્રતિનિધિ રાજકોટ ડિસ્ટ્રિક બેંક લી
વિજયભાઈ કોરાટ - વાઇસ ચેરમેન રાજકોટ માર્કેટયાર્ડ
જયેશભાઈ બોઘરા - ચેરમેન રાજકોટ માર્કેટયાર્ડ
ભૂપતસિંહ જાડેજા – પ્રમુખ વાજડી ગામ સેવા સહકારી મંડળી
સહકારી માળખામાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનારા નેતાઓ સામે સંગઠન દ્વારા હાથ ધરાયેલી આ આકરી કવાયતથી જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. પ્રદેશ કક્ષાએથી હવે આ આગેવાનો સામે સસ્પેન્શન કે અન્ય કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
