પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં 12 થી 17 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ, સિઝનમાં કોરા રહેલા સૌરાષ્ટ્ર-કચ્છને પણ લાભ મળશે

જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. આ વરસાદી સિસ્ટમથી સિઝનમાં વરસાદથી વંચિત રહેલા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના 70 ટકા ભાગને લાભ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Sep 2026 12:00 AM (IST)Updated: Thu, 10 Sep 2026 12:00 AM (IST)
gujarat-rain-forecast-paresh-goswami-predicts-heavy-spell-from-sept-12-to-17-relief-for-saurashtra-and-kutch

Gujarat Rain Forecast: ગુજરાતમાં જૂનના અંતમાં ચોમાસાના પ્રવેશ બાદ જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતના દિવસોમાં વરસાદના તોફાની રાઉન્ડ બાદ છેલ્લા એક મહિનાથી નહીવત વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે આજે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જરૂર પડ્યા છે, પરંતુ હજુ પણ રાજ્યમાં વરસાદની ભારે ઘટ વર્તાઈ રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી 12 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.


6 દિવસનો વરસાદી રાઉન્ડ ગુજરાતના 70 ટકા ભાગને આવરી લેશે

આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સુરતથી છોટા ઉદેપુર વચ્ચેથી પ્રવેશનારી આ વરસાદી સિસ્ટમ ગુજરાતના લગભગ 70 ટકા જેટલા ભાગોને આવરી લેશે. જેમાં 12 સપ્ટેમ્બરથી જ પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, નર્મદા, સુરત અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ જશે. જે બાદ આ સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધીને 15 અને 16 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની ખેંચ અનુભવતા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી પહોંચી જશે.


વરસાદથી વંચિત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને રાહત

આ વર્ષે ચોમાસા દરમિયાન દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના ભાગો વરસાદથી વંચિત રહ્યા છે. આ ભાગોમાં પણ 15 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનો ભરપુર લાભ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સૌથી મોટી ખાધ હતી, ત્યાં પણ વરસાદી રાઉન્ડનો લાભ મળી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે અલગ-અલગ વેધર મોડેલના આધારે જણાવ્યું કે, આ વરસાદી સિસ્ટમનો ટ્રેક 99 ટકા ફાઈનલ થઈ ચૂક્યો છે અને હવે તેના ફંટાવાની શક્યતા ખૂબ ઓછી છે. આ સિસ્ટમના પરિણામે ગુજરાતના 60 થી 70 ટકા વિસ્તારમાં વરસાદી લાભ મળશે, જ્યારે 30 થી 40 ટકા વિસ્તાર હજુ પણ વરસાદથી વંચિત રહી શકે છે.

ગુજરાતમાં ચોમાસાની વિદાયને હજુ વાર લાગશે

આ વરસાદી સિસ્ટમ આગામી 15 કે 16 તારીખે આગળ વધીને અરબ સાગરમાં પ્રવેશ કરશે, જ્યાં નબળી પડીને વિખેરાઈ જશે. આ સિસ્ટમ પસાર થયા બાદ 17 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. જે બાદ ગુજરાતના પશ્ચિમ કચ્છના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જેવા સરહદી જિલ્લાઓમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.

જો કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય થવામાં હજુ સમય લાગશે. આટલું જ નહીં, આ સિસ્ટમ પસાર થઈ ગયા બાદ પણ ગુજરાતને વરસાદનો લાભ મળે તેવી સંભાવના છે.