સૌરાષ્ટ્રમાં 'મેઘમહેર'ની પ્રતિક્ષાનો અંતઃ ધ્રોલમાં 3 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ, કચ્છમાં પણ મેઘાએ હેત વરસાવ્યું

સૌરાષ્ટ્ર અને કચ્છમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો, જેમાં જામનગરના ધ્રોલમાં 3 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો. આ વરસાદથી મુરઝાતા પાકને જીવતદાન મળ્યું છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 09:17 PM (IST)Updated: Wed, 09 Sep 2026 09:17 PM (IST)
saurashtra-monsoon-update-dhrol-records-2-inches-of-rain-in-3-hours-kutch-sees-downpour

Saurashtra Monsoon Update: ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ બાદ આરામ પર ઉતરી ગયેલા મેઘરાજા હવે ધીમે-ધીમે આળસ મરડીને બેઠા થઈ રહ્યા હોય તેમ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે. એમાં પણ અત્યાર સુધી મોટાભાગે કોરાધાકોર રહેલા પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો પર મેઘરાજાએ આજે પોતાનું હેત વરસાવ્યું છે.

જામનગરના ધ્રોલમાં 2 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 20 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 51 મી.મી (2.01 ઈંચ) વરસાદ જામનગરના ધ્રોલ તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, આ બે ઈંચ વરસાદ સાંજે 5 થી 8 વાગ્યા સુધીના 3 કલાકમાં જ વરસ્યો છે.

આ સિવાય ભાવનગરના મહુવા તાલુકામાં પણ 1 ઈંચ, જેસરમાં 11 મી.મી., કચ્છના અબડાસામાં 15 મી.મી. (અડધો ઈંચ), લખપતમાં 3 મી.મી, અમરેલીના જાફરાબાદમાં 6 મીમી વરસાદ વરસ્યો છે.

લાંબી પ્રતિક્ષા બાદ મેઘમહેરથી મુરઝાતા પાકને જીવતદાન મળ્યું

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે ચોમાસું ધાર્યા કરતા પણ નબળું રહ્યું છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભો પાક મુરઝાઈ રહ્યો હતો, જેના કારણે ખેડૂતો પાક નુકસાનીની ભીતિ સેવી રહ્યા હતા. ખેડૂતો સહિત લોકો આકાશ તરફ મીટ માંડીને મેઘમહેરની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજે વરસેલા વરસાદથી ખેતરમાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, 12 સપ્ટેમ્બરથી વરસાદી રાઉન્ડ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશમ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વઘુ એકવાર વરસાદી માહોલ જામશે. જેમાં 12 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 13 સપ્ટેમ્બરે અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે સામાન્ય વરસાદ કરતાં 19 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. એવામાં ટૂંકા સમય માટે આવી રહેલી આ વરસાદી સિસ્ટમ રાજ્યમાં વરસાદની ઘટ પૂરી કરે અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ બને તેવી આશા છે.