Rajkot: વિંછીયા પંથકમાં વ્યાજખોરે વ્યાજ વસૂલવા આચરેલી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં પુત્રના લગ્ન માટે 20 ટકાના કમ્મરતોડ વ્યાજે રૂ.1.50 લાખ વ્યાજે લેનાર પ્રોઢ દ્વારા 2 લાખ ચૂકવી દીધા છતાં વધુ પૈસાની ઉઘરાણીના નામે વ્યાજખોરે પ્રૌઢની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી તેમની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે પીડિત પરિવારે હિંમત દાખવી વિંછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તથા મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી વ્યાજખોરને ગણતરીના કલાકોમાં સકંજામાં લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, વિંછીયા વિસ્તારમાં રહીને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 55 વર્ષીય પ્રૌઢના ઘરમાં પુત્રના લગ્નનો પ્રસંગ હોવાથી તેમને નાણાંની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે ખારચીયા ગામે રહેતા રાકેશ પંચાળા નામના વ્યાજખોરનો સંપર્ક કર્યો હતો. વ્યાજખોરે માસિક 20 ટકાના અતિ ઊંચા વ્યાજદરે નાણાં આપવાની શરત મૂકી હતી. મજબૂરીવશ પ્રૌઢે આ શરત સ્વીકારતા વ્યાજખોર રાકેશે તેમને રૂ. 1,50,000 વ્યાજે લીધા હતા.
પુત્રના લગ્નનો પ્રસંગ પૂરો થયા બાદ પ્રૌઢે નિયમિતપણે વ્યાજની રકમ ચૂકવવાનું શરૂ કર્યું હતું. તેમણે કટકે-કટકે કરીને રૂ. 1.5 લાખની સામે રૂ. 2 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર રાકેશ પંચાળાએ વધુ નાણાંની ગેરકાયદેસર ઉઘરાણી ચાલુ રાખી હતી અને પરિવારને સતત હેરાન-પરેશાન કરતો હતો.
પતિ કામેથી ઘરે આવ્યો, ત્યારે વ્યાજખોર અંદરથી આપત્તિજનક હાલતમાં બહાર આવ્યો
આ દરમિયાન થોડા દિવસ પૂર્વે પ્રૌઢ પોતાના કામકાજ પતાવીને ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે વ્યાજખોર રાકેશને પોતાના ઘરમાંથી આપત્તિજનક અને શંકાસ્પદ સ્થિતિમાં બહાર નીકળતો જોયો હતો. ઘરધણીને જોઈને વ્યાજખોર રાકેશ તાત્કાલિક ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ બનાવ અંગે પ્રૌઢે ઘરમાં જઈને પોતાની પત્ની પાસે પૂછપરછ કરતા તેણે ધ્રુસકે-ધ્રુસકે રડતા આપવીતી વર્ણવી હતી. પત્નીએ પતિને જણાવ્યું હતું કે, તે ઘરે ન હતા ત્યારે રાકેશ પંચાળા અચાનક ઘરમાં ધસી આવ્યો હતો. ઘરમાં મહિલાને એકલી જોઈને તેણે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરી કરી મહિલાની લાજ લૂંટી હતી. વ્યાજખોરના આ કરતૂત અને પત્ની સાથે બનેલી ઘોર ઘટના સાંભળીને પ્રૌઢના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ શરમજનક બનાવ અંગે પ્રૌઢે મોડું કર્યા વિના તાત્કાલિક વિંછીયા પોલીસ મથકે પહોંચી વ્યાજખોર રાકેશ પંચાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી વિંછીયા પોલીસ મથકના પી.આઈ. એ. સી. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તાત્કાલિક આરોપી રાકેશ ઠાકરશીભાઈ પંચાળા સામે દુષ્કર્મ તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને તુરંત જ સકંજામાં લઈ કાયદેસરની જેલભેગો કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
