Vadodara: GSFCમાં ગૅસ લીકેજથી યુવકના મોતનો મામલો, રૂ. 30 લાખના વળતરની ખાતરી બાદ પરિવારે આંદોલન સમેટ્યું

વડોદરાની GSFC કંપનીમાં ગૅસ લીકેજથી એક યુવકનું મૃત્યુ અને અન્ય એક ઘાયલ થતાં પરિવારે વળતર માટે આંદોલન કર્યું હતું. કંપની દ્વારા ₹30 લાખનું વળતર અને બાળકોના શિક્ષણની ખાતરી અપાતા આંદોલન સમેટાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 09 Sep 2026 07:23 PM (IST)Updated: Wed, 09 Sep 2026 07:23 PM (IST)
vadodara-gsfc-gas-leakage-youth-dies-protest-called-off-post-rs-30-lakh-compensation-deal

પ્રશાંત ગજ્જર, GSFC Vadodara Gas Leakage: વડોદરા સ્થિત GSFC કંપનીના યુરિયા પ્લાન્ટમાં સોમવારે સર્જાયેલી ગૅસ લીકેજની એક ગંભીર દુર્ઘટનામાં બાજવા ગામના યુવક ઘનશ્યામભાઈ ગોહિલનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક કેયુર પરમાર હાલ સારવાર હેઠળ છે.

પ્લાન્ટમાં મેઈન્ટેનેન્સ કામગીરી દરમિયાન કેયુરભાઈ ટાંકીમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક કાર્બન ડાયોક્સાઈડ ગૅસનો રિસાવ શરૂ થયો હતો. તેમને બચાવવા માટે ટાંકીમાં ઉતરેલા ઘનશ્યામભાઈ ઝેરી વાયુની ઝપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું.

આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને બાજવા ગામના લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. યોગ્ય નાણાકીય વળતર અને ન્યાયની બાંયધરી ન મળતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. મંગળવારે કંપની સત્તાધીશો સાથેની બેઠકમાં સાનુકૂળ પ્રતિસાદ ન મળતાં આશરે 400 જેટલા ગ્રામજનો ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર અને ગ્રામજનોએ ધરણા યોજી આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી આપી હતી.

બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વીડિયો મેસેજ જાહેર કરીને જણાવ્યું કે, તેઓ મૃતકના પરિવારને યોગ્ય વળતર મળે અને બાળકોના અભ્યાસની વ્યવસ્થા થાય તે માટે GSFC સત્તાધીશો તેમજ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. તેમણે આ દુઃખદ ઘટના પર રાજનીતિ ન કરવા અપીલ કરતાં આડકતરી રીતે લખન દરબાર પર નિશાન સાધ્યું હતું.

આખરે કંપની સત્તાધીશો દ્વારા મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને રૂ. 30 લાખનું વળતર ચૂકવવા તેમજ તેમના બાળકોના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ખાતરી આપવામાં આવતાં પરિવારે મૃતદેહ સ્વીકારી આંદોલન સમેટી લીધું છે.