Vadodara News:વડોદરા શહેરના છેવાડે આવેલા જાણીતા ઔદ્યોગિક એકમ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) ના યુરિયા પ્લાન્ટમાં આજે સવારે એક અત્યંત ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પ્લાન્ટમાં ચાલી રહેલી રૂટિન મેન્ટેનન્સની કામગીરી દરમિયાન અચાનક ઝેરી ગેસ લીક થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ગેસની ઝેરી અસર થવાથી બે કર્મચારીઓ બેભાન થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન એક કામદારનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે GSFCના યુરિયા વિભાગમાં ટેકનિકલ સમારકામનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક પ્લાન્ટની લાઈનમાંથી ગેસનું ગળતર શરૂ થતાં ત્યાં હાજર કર્મચારીઓ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફેક્ટરી પરિસરમાં દોડધામ મચી ગઈ હતી અને ઇમરજન્સી ટીમ દ્વારા બંને અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક ધોરણે છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ગંભીર રીતે પ્રભાવિત ઘનશ્યામભાઈ ગોહિલને મૃત જાહેર કર્યા હતા, જ્યારે બીજા કર્મચારીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક ઘનશ્યામ ગોહિલ બાજવા વિસ્તારના રહેવાસી હતા અને પરિવારના મુખ્ય આધારસ્તંભ હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી પરિવારજનો અને સમગ્ર બાજવા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છાણી પોલીસ મથકનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઔદ્યોગિક એકમોમાં સલામતીના દાવાઓ વચ્ચે બનેલી આ ઘટનાએ ફરી એકવાર કામદારોની સુરક્ષા સામે મોટા સવાલો ખડા કર્યા છે. ગેસ કયા કારણોસર લીક થયો, મેન્ટેનન્સ કામગીરી વખતે સેફ્ટી પ્રોટોકોલનું પાલન થયું હતું કે કેમ અને કોઈ ટેકનિકલ બેદરકારી હતી કે કેમ તે તમામ દિશામાં પોલીસ અને ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
