Saurashtra Rain Update: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લઈ લેતા પાક નુકસાનીની ભીતિએ ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ ગઈ છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અપેક્ષા પ્રમાણે વરસાદ ના વરસતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. એવામાં સૌરાષ્ટ્રમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ચિંતાજનક વિરામ બાદ આખરે મેઘરાજાએ ફરી પધરામણી કરી છે.
સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જેમાં રાજકોટ સહિત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને જામનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ શરૂ થયો હતો.
લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાક પાણી વિના સુકાઈ જવાના આરે હતા. આ પરિસ્થિતિ વચ્ચે અચાનક વરસેલા કાચા સોના જેવા વરસાદથી પાકને નવજીવન મળ્યું છે, જેને પગલે જગતના તાતમાં હરખની હેલી જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
18 તાલુકામાં મેઘમહેર, કચ્છના અબડાસામાં ધીમીધારે 12 મી.મી વરસાદ
આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસામાં 12 મી.મી.નું ઝાપટું પડ્યું છે. આ સિવાય ભાવનગરના મહુવામાં 8 મી.મી., જેસરમાં 7 મી.મી., અમરેલીના જાફરાબાદમાં 6 મી.મી., જામનગરના ધ્રોલમાં 5 મી.મી ધીમીધારે વરસાદ નોંધાયો છે.
