Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી સગાઇ બાદ હવસનો શિકાર બનાવી સગપણ તોડી નાખ્યુ હતુ. જે બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જે અંગે યુવતીએ જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે જીત પાબારીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે જામીન ઉપર આગામી 30 મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કાલાવાડ રોડ પર નૂતનનગરમાં રહેતા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસીકભાઇ પાબારીએ વર્ષ 2014માં ફેસબુક મારફતે યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બંને સાથે ભણતા હોવાથી બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઇ હતી. જે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી ગોળધાણાની વિધિ કરી હતી. જે બાદમાં જીત પાબારીએ યુવતીને અલગ અલગ સ્થળે લઇ જઇ શરીર સબંધ બાંધ્યો હતો અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
આ અંગે છેલ્લા 15 દિવસથી ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે ધકકા ખાતી યુવતીની બે દિવસ પૂર્વે જ પોલીસે ફરીયાદ લીધી હતી અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધી હતી.
આ ફરિયાદ નોંધાતા જીત પાબારીએ પોલીસ ધરપકડની દહેશતે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જે જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા તા. 30-11-2024 ના રોજ મુકરર કરી છે. આ જામીન અરજીમાં આરોપી જીત પાબારી વતી રાજકોટના યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી રોકાયા છે.