Rajkot: શહેરના કુબલીયાપરામાં વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડવા પહોંચતા બુટલેગરે દિવાલમાં પોતાના માથા ભટકાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં ‘પોલીસની સાથે આવેલા પંચોને પૂરા કરી નાખો’ના હાકલા પડકારા કરતા બુટલેગરની સાથેના શખ્સોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી હતી.
માથાકૂટના પગલે અન્ય પોલીસની ગાડીઓ પણ બોલાવી લેવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બુટલેગરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે ત્રણ મહિલા સહિત નવ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી હતી જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.ડી.ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, દિલીપ બોરીચા કોન્સ્ટેબલ વિશાલ દવે સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. આ દરમિયાન કુબલીયાપરામાં રહેતો અનેઅ અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલો વિજય ઉર્ફે રુડી રાજેશભાઇ પરમાર કુબલીયાપરામાં ખંઢેર જેવા મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડવા જતાં, ત્યા આરોપી વિજય પરમાર ઉભો હોય જે પોલીસને જોઇ નાસી છૂટ્યો હતો.
પોલીસે ખંઢેર જેવા મકાનમાં દરોડો પાડતા દેશીદારૂની ભઠ્ઠી મળી આવી હતી. જેથી પોલીસે 26 લિટર દેશી દારૂ, 200લિટર આથો અને દેશીદારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા15,000નો મુદ્દામાલ કબજે કરી નાશી જનાર આરોપી વિજય પરમારનુ મકાન નજીકમાં હોય, ત્યાં જતા આરોપી તેના ઘરની બહાર બેઠો હોય અને કપાળે તથા માથાના ભાગે લોહી નીકળતુ હોય પોલીસની ધરપકડથી બચવા બુટલેગરે દિવાલમાં માથા ભટકાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જે બાદમાં આરોપીએ ‘તમે મારા ઉપર અવાર નવાર કેસો કરો છો અને મારી પાસેથી પૈસાની માંગણી કરો છો તેવી ફરિયાદ કરવા મેં દિવાલમાં માથા ભટકાયા છે જો તેમ મારા ઉપર કેસ કર્યો તો હુ માથા ભટકાડી મરી જઇશ’ તેમ કહી બાદમાં તેના માણસોને ‘પોલીસની સાથે આવેલા પંચોને પૂરા કરી નાખો, જેથી બીજી વખત કયાં પંચમાં રહી શકે નહીં ’ તેવી ધમકી આપતા તેની સાથેના શખ્સોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઉગ્ર બોલાચાલી કરી દરમિયાન થોરાળા પોલીસની પીસીઆર વાન આવી જતા ઇજાગ્રસ્ત બુટલેગરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગે કોન્સ્ટેબલ વિશાલ દવેએ બુટલેગર વિજય પરમાર, તેની પત્ની કીરણ, ભારતી, અજીત ઉર્ફે ટેબો રાજેશ પરમાર, સાવન જીત રાઠોડ, સુભાષ મનોજ સોલંકી, સંજય કેશુ ઉઘરેજીયા, અમીત ઉર્ફે હોજરી અને અલ્પા અમીનભાઇ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સંજય ઉઘરેજીયાની ધરપકડ કરી છે. જયારે સિવિલમાં દાખલ બુટલગર ઉપર પોલીસે વોચ ગોઠવી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.