Gujarat Weather: ગુજરાતમાં મેઘરાજા છેલ્લા ઘણા સમયથી મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પણ સારો ફાયદો થઇ રહ્યો છે, તેમના પાકને પુરતુ પાણી પર મળી રહ્યું છે. જેથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો, અનેક શહેરોમાં વરસાદ નોંઘાતા રસ્તાઓ પર સ્વિમિંગપુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સવારથી વરસાદી માહોલ
રાજ્યમાં આજે સવારના છ વાગ્યાથી લઇને આઠ વાગ્યા સુધીમાં 40 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ હાલોલમાં 6.69 ઇંચ, કામરેજમાં 1.18 ઇંચ, ઉંમરગામમાં 1.14 ઇંચ તેમજ મહુધામાં 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે.

હાલોલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાનીનો વારો આવ્યો છે, પાણી દુકાનમાં ઘુસી જતા દુકાનમાં રહેલ માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ એસટી બસ પણ પાણીમાં ખોટકાતા મુસાફરોને બસમાંથી બહાર કાઢવાનો વારો આવ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.
આજનું હવામાન
આજે 30 ઓગસ્ટ 2025ના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમરેલી સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.