Halol Waterlogging: આજે વહેલી સવારથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં 8.4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. હાલોલ શહેર સહિત તાલુકામાં અનેક સ્થળે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
ફાયર સ્ટેશન સામે સીએનજી પંપ પાસે પાંચ મજૂરો પાણીમાં ફસાયા
પંચમહાલ જિલ્લાના હાલોલમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતા શહેરમાં આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે હવેલી શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ અને કંજરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે બાયપાસ વનવે પર પણ પાણી ફરી વળ્યું હતું. જ્યોતિ સર્કલ નજીક ફાયર સ્ટેશન સામે સીએનજી પંપ પાસે પાંચ મજૂરો પાણીમાં ફસાયા હતા, જેને હાલોલ ફાયર ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા. બીજી તરફ, ગોધરા પાસેના સાપા ગામે કોઝવે પરથી પસાર થતી બાઈક પાણીના પ્રવાહમાં તણાઈ હતી, પરંતુ બાઈક સવાર બંને વ્યક્તિઓ આબાદ બચી ગયા.
બે કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. હાલોલમાં સવારે 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર 8.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6.7 ઇંચ જ્યારે 8થી 10 વાગ્યા સુધીમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ મેઘો ધોધમાર વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હાલોલ ગોધરા રોડ પર ઘૂટણસમા પાણી ભરાયા
હાલોલ ગોધરા રોડ પર ઘૂટણસમા પાણી ભરાયા હતા. બે ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક એસટી બસ પાણી ખોટકાઇ ગઇ હતી. જેના પગલે મુસાફરોને પાણી ભરાયેલી સ્થિતિમાં બસમાંથી નીચે ઉતરવાનો વારો આવ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો
હાલોલમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા દૃશ્યો સવાર-સવારમાં જોવા મળ્યા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. શહેર જળમગ્ન થવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

જળબંબાકારની સ્થિતિ
ધોધમાર વરસાદના કારણે હાલોલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવેલી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકી વેઠવી પડી હતી. શાક માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન થયું હતું અને ખરીદી માટે આવેલા લોકો પણ અટવાઈ ગયા હતા. કસબા અને પાવાગઢ રોડ સહિત વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
હાલોલના નિચાણાવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.