Kheda: ઉપરવાસમાં ભારે વરસાદથી શેઢી નદી તોફાની બની, ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક ડૂબ્યો; ખેડૂતો ચિંતિત

ગત વર્ષે પણ પૂરથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવા છતાં પુરતું વળતર નહતું મળ્યું. હવે ફરીથી શેઢી નદીના પાણી ફરી વળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ તાત્કાલિક સહાયની માંગ કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 30 Aug 2025 06:11 PM (IST)Updated: Sat 30 Aug 2025 06:11 PM (IST)
kheda-news-shedhi-river-overflow-due-to-heavy-rain-water-logging-in-farm-594400
HIGHLIGHTS
  • ઠાસરા તાલુકાના નીચાણવાળા ભાગોમાં નદીનું પાણી ફરી વળ્યું
  • મીઠાના મુવાડા, ડભાલી અને વાળજ ગામના ખેતરો બેટમાં ફેરવાયા

Kheda: ગુજરાત ઉપર સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે મેઘરાજા સાઉથ અને મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક વધવાથી શેઢી નદી તોફાની બનતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

શેઢી નદી બે કાંઠે વહેતી થતાં ઠાસરા તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને મીઠાના મુવાડા, ડભાલી અને વાળજ ગામોમાં નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. જેના પરિણામે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેતરમાં ઉભો ડાંગરનો પાક ડૂબી જતાં ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે, લાંબા સમય સુધી પાણીમાં ઉભા રહેવાના કારણે પાક સંપૂર્ણ બગડી જેવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પગલા ના લેવામાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે પણ પૂરથી મોટા પાયે નુકસાન થયું હતુ. આમ છતાં ખેડૂતોને પુરતુ વળતર નહતો મળ્યુ. હવે ફરીથી શેઢી નદીના પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો તાત્કાલિક વળતર અને સરકારી સહાયની માંગ કરી રહ્યા છે.

બીજી તરફ શેઢી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી નીચાણવાળા ભાગોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે વહીવટી તંત્ર પણ સતત પાણીની સપાટી પર નજર રાખી રહ્યું છે.

આજે ખેડા જિલ્લામાં 2 થી 30 મિ.મી સુધીના વરસાદી ઝાપટા

આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, નડિયાદમાં 30 મિમી., મહુધામાં 26 મિ.મી, કઠલાલમાં 8 મિ.મી, વસોમાં 7 મિ.મી. માતરમાં 5 મિ.મી., ઠાસરમાં 5 મિ.મી, ગલતેશ્વરમાં 5 મિ.મી અને ખેડામાં 2 મિ.મી વરસાદ વરસ્યો છે.