Halol Flood: પંચમહાલ જિલ્લાના હાલોલમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચાર કલાકમાં 8.35 ઇંચ વરસાદ ખાબકતા હાલોલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાયું છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
હાલોલના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વાહનો તણાયા હતા. ગોધરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધી પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો હતો. વરસાદી પાણીમાં એક એસટી બસ ખોટકાઈ જતાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલોલના દુનિયા ગામ નજીક એક કાર પાણીમાં તણાઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોના વાહનો બંધ પડી જવાથી તેઓ પગપાળા ચાલવા માટે મજબૂર બન્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.









