Nadiad News: મુખ્યમંત્રીએ સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના ગળતેશ્વરથી 76 માં વનમહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વન મંત્રી અને વન રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગળતેશ્વરમાં 7 હેક્ટરમાં નિર્માણ પામેલું, રાજ્યનું 24મું સાંસ્કૃતિક વન – ગળતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતને પ્રેમ કરવાથી કુદરત આપણું ધ્યાન રાખે છે. વડાપ્રધાનની પ્રેરણાથી વન મહોત્સવ હવે જન ઉત્સવ બની ગયો છે, જે વન સાથે જનને જોડે છે. ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે પર્યાવરણ સંતુલન અને ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76માં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે. ક્લાઈમેટ ચેંજના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના 24માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 7 હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.

'આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. એટલુ જ નહિ, વડાપ્રધાનએ પણ પર્યાવરણ સંતુલન અને જાળવણીને હંમેશા પ્રાયોરીટી આપી છે. આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલીને વન સાથે જન જનને જોડ્યા છે અને વન મહોત્સવોને જન મહોત્સવો બનાવ્યા છે.
મુખ્યમંત્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં 207 વન કવચ નિર્માણ, 82 જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને 1143 ચોરસ કિલોમીટર થયું છે તેની પણ ભૂમિકા આપી હતી. વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે 17.50 કરોડ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ છે અને આ વર્ષે ‘એક પેડ મા કે નામ 2.0’માં સમગ્ર રાજ્યમાં 10.35 કરોડ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે વેપાર ઉદ્યોગના વિકાસ સાથે માનવ જીવનના વિકાસ માટે ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડીને સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે અને વન મહોત્સવો આ માટેનું સક્ષમ માધ્યમ છે.
આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ 39,295 હેક્ટરમાં વાવેતર અને 20 અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ 1 હજાર ગામોમાં ગામ દીઠ 50 રોપા વાવવામાં આવશે. 2025-26માં 34 પવિત્ર ઉપવનો બનશે અને 19,895 હેક્ટરમાં 153.90 લાખ રોપાઓનું વાવેતર થશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. ખેડા જિલ્લામાં પણ આ દિશામાં કામગીરી કરતા ગોવિંદપુરા ખાતે વન કવચ અને 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ પીપલગ ગામે વન નિર્માણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે 'ગ્રીનગ્રોથ'ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ 2025-26 માં 'હરિત વન પથ' યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર 100 હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ 35 હજાર હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, 130 અમૃત સરોવરો ફરતે 200 રોપા દીઠ વાવેતર અને 136 વનકુટીર નિર્માણ અને 100 કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.