Banaskantha: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનાં દાંતિયા ગામમાં ઓનર કિલિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં એક પિતાએ પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પોતાની પુત્રીનું ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે મૃતક યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થરાદ તાલુકાના દાંતિયા ગામમાં રહેતા સેંધાભાઈ ચૌધરીની દીકરી ચંદ્રિકા પાલનપુર ખાતે હોસ્ટેલમાં રહીને NEETની પરીક્ષા માટે તૈયારી કરતી હતી. જ્યાં ચંદ્રિકા અને વડગામડાના હરેશ ચૌધરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
જો કે ગત 5 એપ્રિલે ચંદ્રિકા પરિવારમાં લગ્ન પ્રસંગ માટે દાંતિયા આવ્યા બાદ પરિવારજનોએ તેને આગળ ભણવાની ના પાડી દીધી હતી. આથી ચંદ્રિકાએ પ્રેમી હરેશને મેસેજ મોકલીને પોતાને અહીંથી લઈ જવાનું જણાવ્યું હતુ. આખરે ગત 4 જૂને હરેશ ચંદ્રિકાને ભગાડીને અમદાવાદ લઈ ગયો હતો, જ્યાં બન્ને મૈત્રી કરાર કરીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ફરવા ગયા હતા.
બીજી તરફ ચંદ્રિકાના પિતાએ થરાદ પોલીસ મથકમાં દીકરી ગુમ થઈ હોવાની અરજી આપતા પોલીસ બન્નેને શોધી રહી હતી. આખરે 12 જૂનના રોજ થરાદ પોલીસે બન્ને પ્રેમી પંખીડાને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા. જે બાદ ચંદ્રિકાને તેના પરિવારને સોંપીને હરેશની ધરપકડ કરી હતી.
21 જૂને હરેશ જામીન પર બહાર આવતા તેના ઈન્સ્ટાગ્રામમાં ચંદ્રિકાનો મેસેજ મળ્યો હતો. જેમાં તેણીએ લખ્યું હતું કે, મારા પરિવારના લોકો બળજબરીથી મારા લગ્ન કરાવશે. તું આવીને લઈ જા. જો હું લગ્નની વાત નહીં માનું તો તેઓ મને મારી નાંખશે. પ્લીઝ મને બચાવી લે…
આખરે હરેશે 23 જૂનના રોજ વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરતા ચંદ્રિકાને 27 જૂનના રોજ હાજર કરવા થરાદ પોલીસને હુકમ કર્યો હતો.
જો કે બીજા દિવસે એટલે કે 24 જૂને ચંદ્રિકાના પિતા સેંધા ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ દૂધમાં ઊંઘની ગોળીઓ ભેળવીને ચંદ્રિકાને પીવડાવી દીધુ હતુ. જે બાદ ભરઊંઘમાં રહેલી ચંદ્રિકાને ઓરડીમાં ફાંસો આપી લટકાવી દીધી હતી. જે બાદ રાતોરાત ચંદ્રિકાના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. બીજા દિવસે ગામમાં ચંદ્રિકાએ આપઘાત કર્યો હોવાની વાતો વહેતી કરી દીધી હતી.
બીજી તરફ હરેશને શંકા જતાં તેણે ગૃહમંત્રાલય સુધી ચંદ્રિકાના મોતની નિષ્પક્ષ તપાસ માટે અરજી કરી હતી. આખરે થરાદ પોલીસની તપાસમાં ચંદ્રિકાની તેના પિતા અને કાકાએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.