Honor killing in Banaskantha: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધથી નારાજ થઈને એક પિતા અને તેના ભાઈએ મળીને પોતાની જ દીકરીની હત્યા કરી નાખી અને પુરાવાનો નાશ કરવા માટે રાત્રે જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા. આ કમકમાટીભરી ઘટનાના મુખ્ય આરોપી પિતા હજુ ફરાર છે, જ્યારે પોલીસે કાકાની ધરપકડ કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને સમાજમાં આ ઘટનાની સખત નિંદા થઈ રહી છે.

NEETની તૈયારી કરતી દીકરીને પ્રેમ કરવો પડ્યો ભારે
થરાદના દાંતિયા ગામની રહેવાસી ચંદ્રિકા ચૌધરી પાલનપુરમાં NEETની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન, તેને વડગામડા ગામના હરેશ ચૌધરી સાથે પ્રેમ થઈ ગયો. તેમના સંબંધોની જાણ પરિવારને થતાં જ આ સંબંધનો વિરોધ શરૂ થયો. ચંદ્રિકાએ હરેશને કરેલા મેસેજમાં સ્પષ્ટ લખ્યું હતું કે પરિવાર આ સંબંધને સ્વીકારશે નહીં અને તેને મારી નાખશે અથવા તો તેના લગ્ન બળજબરીથી બીજે ક્યાંક કરાવી દેશે. આ મેસેજ તેના જીવનનો છેલ્લો મેસેજ સાબિત થયો.

ઊંઘની ગોળીઓ આપી ગળું દબાવી હત્યા
હત્યાના કાવતરા મુજબ, ચંદ્રિકાના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામભાઈ પટેલે તેને રાત્રે ઊંઘની ગોળીઓ આપી દીધી. જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે દુપટ્ટાથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. હત્યા પછી કોઈને શંકા ન જાય તે માટે, તેમણે રાતોરાત ગામના સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા. આખી રાત ગુપ્ત રીતે આ કૃત્ય આચરવામાં આવ્યું હતું, જેથી કોઈને જાણ ન થાય.
પ્રેમીની અરજી બાદ હત્યાનો પર્દાફાશ
ચંદ્રિકાની હત્યા થયા બાદ તેના પ્રેમી હરેશ ચૌધરીને શંકા ગઈ. તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી. હાઈકોર્ટે પોલીસને ચંદ્રિકાને રજૂ કરવાનો આદેશ આપ્યો, પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ચંદ્રિકાનું તો મૃત્યુ થઈ ચૂક્યું છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ આખી ઘટનાનો ખુલાસો થયો. પૂછપરછ દરમિયાન, ચંદ્રિકાના કાકા શિવરામભાઈ પટેલે હત્યા કર્યાની કબૂલાત કરી, જેમાં તેમણે જણાવ્યું કે પિતા સેધાભાઈ પણ આ ગુનામાં સામેલ હતા.
એક આરોપી પકડાયો, બીજો ફરાર
આ મામલે, દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી કાકા શિવરામભાઈ પટેલની ધરપકડ કરી લીધી. બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે ફરાર પિતા સેધાભાઈ પટેલને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં પિતાની પણ ધરપકડ કરવામાં આવશે. આ ઘટના સમાજ માટે એક કલંકરૂપ ઉદાહરણ છે, જ્યાં પ્રેમ સંબંધને કારણે એક યુવાન દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો.