Ambaji Bhadarvi Maha Mela 2025: અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરાશે ત્યારે આજરોજ અંબાજી મંદિરે ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગત વર્ષથી સૌ પ્રથમવાર અંબાજી ગામ તથા આસપાસના 51 ગામોના ડુંગરી ગરાસિયા સમાજના લોકોએ સામૂહિક રીતે ધ્વજારોહણ કરવાની પરંપરાનો પ્રારંભ કર્યો હતો.

અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા સમાજના લોકો માઁ અંબેના ભક્તો તરીકે પ્રાચીન સમયથી ઓળખાયા છે. અગાઉ મેળામાં ભારે ભીડને કારણે આદિવાસી સમાજના લોકો મંદિરે આવવાનું ટાળતા હતા. પરંતુ મંદિરના વહીવટદાર તથા અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શન અને પ્રયત્નોથી ગરાસિયા સમાજને સુવિધા પુરી પાડવામાં આવી હતી. તેના પરિણામે ગત વર્ષથી આ વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા અંબાજી ખાતે ધ્વજા રોહણની શરૂઆત કરાઈ છે.

આજે ભાદરવા સુદ પાંચમે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ધજાઓ સાથે અંબાજી પધાર્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે મંદિરનો ચાચર ચોક માતાજીની ધજાઓ સાથે રંગમય બન્યો હતો અને મંદિર પરિસર માઁ અંબેના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.