Narmada: નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદને કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમમાં પાણીનું સ્તર નિયંત્રણમાં રાખવા માટે આજે સવારે 11:30 કલાકે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ડેમના ગેટ નંબર 3 અને 5 ને 0.40 મીટર સુધી ખોલીને 3,851 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલ કરજણ ડેમ 48.82 ટકા ભરાયેલો છે.
આ પણ વાંચો
કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે, જ્યારે 17 ઑગસ્ટે પાણીનું સ્તર 103.23 મીટર નોંધાયું હતું. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે હાલમાં ડેમમાં લગભગ 3 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નિયમિત રૂલ લેવલ જાળવવા આ પગલું ભરવામાં આવ્યું છે. પાણી છોડવાના કારણે નદીકાંઠાના રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચા ગામોના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. સાથે જ સ્થાનિક તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં નાંદોદમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેડીયાપાડામાં 2.5 ઇંચ, જ્યારે ગરુડેશ્વર અને સાગબારામાં 2-2 ઇંચ તેમજ તિલકવાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને ડેમનું સંચાલન તંત્ર સાવચેતીપૂર્વક કરી રહ્યું છે.
પ્રશાસનએ નાગરિકોને અપીલ કરી છે કે નદીકાંઠે ભેગા ન થાય અને જરૂરી સાવચેતી રાખે. પાણી છોડવાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની સંભાવના છે. તંત્ર દ્વારા દરેક પરિસ્થિતિ પર ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.